આપણું ગુજરાત

ગુજરાતના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન મેળવવાનું થઈ જશે સરળ કારણ કે…

ગુજરાત સરકારે ગુરુવારે મળેલી કેબિનેટની બેઠકમાં વિદ્યાર્થીની સુવિધા માટે એક સારો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર રાજ્યમાં હવેથી તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે એક કોમન પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) કાર્યરત રહેશે. સરકારી યુનિવર્સિટીઓના તમામ અભ્યાસક્રમો, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને આવરી લેતી શરૂઆતથી અંત સુધીની એડમિશન પ્રક્રિયાને સંચાલિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સરળ અને સુરક્ષિત એપ્લિકેશન વિકસાવવામાં આવી છે.

આ અંગે સરકારના પ્રવક્તા પ્રધાન ઋષીકેશ પટેલે જણાવ્યું હતું કે ઓડીટ ટ્રેઈલ દ્વારા ડેટામાં કરવામાં આવતા તમામ સુધારાની સંપૂર્ણ જાળવણી આ પોર્ટલ મારફત કરી શકાશે. હાલમાં દરેક વિદ્યાર્થી સરેરાશ રૂ. ૫૦૦ ખર્ચીને અંદાજે પાંચ કોર્સમાં અરજી કરે છે, તેની જગ્યાએ હવે GCAS દ્વારા નજીવી ફી માં અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. વિદ્યાર્થીઓ માટે દરેક યુનિવર્સિટી અને કોર્સીસમાં પ્રવેશ મેળવવા માટેનો સમયગાળો પણ એક જ રહેશે. આ પોર્ટલ કાર્યરત થતા હવેથી ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીને અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા નહિ કરવી પડે, જેથી યુનિવર્સિટીનો સમય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકવામાં આવતા ફંડની બચત થશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ મારફત પ્રવેશ પ્રક્રીયાની તમામ માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓને ચોઇસ ભરવા સાથે ઓનલાઇન નોંધણી, બોર્ડનો ડેટા ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થીનું પરિણામ વિદ્યાર્થીનો સીટ નંબર દાખલ કરવાથી જાતે જ ઉપલબ્ધ થશે. એડમિશનની સરળતા માટે સહાય કેન્દ્ર દ્રારા કોલેજ કક્ષાએ જ વિધાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરાશે, તેમજ નિયમ મુજબ મેરિટ બનાવવું અને વિદ્યાર્થીઓના ઓનલાઈન કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા આ પોર્ટલ મારફત કરાઈ છે.

યુનિવર્સિટીને પણ તેમના વિદ્યાર્થીનો ડેટા સિક્યોર એપ્લીકેશન દ્વારા મળશે. ગુજરાત રાજ્ય પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંતર્ગતની તમામ યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયાનો ડેટા શિક્ષણ વિભાગને સિંગલ ક્લિક પર રીયલ ટાઈમમાં મળશે. સાથે જ ઓટો સ્કેલિંગ અને વિશ્વસનીયતા માટે ક્લાઉડ આધારિત સોલ્યુશન પણ આમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button