અમદાવાદમાં ફટાકડાના હોલસેલર પાસેથી આઇ.ટી.ને ₹ સાત કરોડની રોકડ – સોનું મળ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં લાભ પાંચ પહેલા જ નવા વર્ષના પ્રારંભે આવકવેરા વિભાગે અમદાવાદમાં આવેલા ફટાકડાના હોલસેલર પર દરોડા પાડીને કરેલા મુહૂર્તમાં અત્યાર સુધીમાં સાત કરોડ જેટલી રોકડ અને સોનાનાં દાગીના મળી આવી હતી જ્યારે કેટલાક બેન્ક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યાં છે. રાજ્યના ફટાકડાના આ જાણીતા હોલસેલરના ચાર જેટલા સ્ટોલ સહિતનાં સ્થળે આવકવેરા વિભાગે દિવાળીના તહેવારમાં જલ તવાઇ બોલાવી હતી.
આવકવેરા વિભાગ દ્વારા દિવાળીએ ફટાકડાના હોલસેલરથી દરોડાનાં શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં આવેલા રાજ્યના સૌથી મોટા ફટાકડાના વેપારીને ત્યાં આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ૧૫ જેટલી ટીમ જોડાઈ હતી. પ્રાથમિક વિગતો અનુસાર સાત કરોડની રોકડ રકમ અને દાગીની મળી આવ્યા છે. સર્ચ ઓપરેશનમાં વધુ બિનહિસાબી વ્યવહાર મળે તેવી આશંકા છે. આવકવેરા વિભાગ દ્વારા આ ક્રેકર્સ સાથે સંકળાયેલા લોકો અને પેઢીઓના વેપારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હોલસેલરે ગુજરાતના અન્ય વેપારીઓ સાથે કરેલા વ્યવહારની વિગતો પણ આઇટી વિભાગને મળી હોવાનું જાણવા મળ્યું છે. દિવાળી દરમિયાન કરોડો રૂપિયાના ફટાકડાનું વેચાણ કરવામાં આવ્યું હતું. એવી પણ વિગતો છેકે હોલસેલર્સ પાસેથી એડવાન્સમાં ફટાકડાનું પેમેન્ટ લેવામાં આવતું હતું. આઇટી વિભાગે ઘણા બેન્ક લોકર અને એકાઉન્ટ પર સીઝ કર્યા છે.