રાજકોટમાં આઈટીના દરોડા: પાંચમા દિવસેચાર કરોડની રોકડ અને ૨૦ લોકરો સીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા ચાર દિવસથી જુદા-જુદા બે બિલ્ડરને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ૧૫૦ કરતાં વધુ અધિકારીઓ દ્વારા ૨૮ સ્થળોએ દરોડા પાડવામાં આવતા કરોડોનાં હિસાબી ગોટાળાઓ સામે આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં રૂ. ચાર કરોડની રોકડ રકમ અને ૨૦ લોકરો સીલ કરવામાં આવ્યા છે. લોકરો ખોલ્યા બાદ વધુ બેનામી રોકડ અને દાગીના મળવાની શક્યતા છે. દરોડાની કામગીરી સતત પાંચમા દિવસે પણ યથાવત્ રહી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના એક ગ્રુપના બિલ્ડર વિનેશકુમાર પટેલ, વિપુલ પટેલ, સમીર પટેલ, સંજય વરાસડા, પકંજ વરાસડા અને રસિક પટેલની ઓફિસોમાં મંગળવારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાની કામગીરી સતત પાંચમા દિવસે પણ યથાવત્ રહી હતી. જેમાં એસોસિએટ્સના બિલ્ડર દિલીપ લાડાણી અને ઉત્સવ લાડાણીની ઓફિસ અને રહેઠાણે દરોડામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા હતા. તેમ જ બિલ્ડરોની સાથે ફાઈનાન્સરો, બ્રોકરો અને અન્ય વેપારીઓને પણ આવકવેરા વિભાગે ઝપટમાં લઇ લીધા છે. રાજકોટના કાલાવડ રોડ બંને બિલ્ડર ગ્રૂપની કોર્પોરેટ ઓફિસો આવેલી છે. બંને બિલ્ડર ગ્રૂપની રેસિડેન્સિયલ, કોમર્શિયલ અને હાઈરાઈઝ સ્કીમોમાં થયેલા કરોડો રૂપિયાના રોકાણો અને નવા બની રહેલા પ્રોજેક્ટ પાછળ કેટલું રોકાણ કરાયું તેની માહિતી આઈટી વિભાગે મેળવી લીધી છે. આવકવેરા વિભાગના ૧૫૦ કરતા પણ વધારે અધિકારીઓએ રાજકોટમાં બે બિલ્ડર ગ્રૂપને ત્યાં ૨૮ સ્થળે દરોડાની કામગીરી કરીને ૫૦૦ કરોડથી વધારેના હિસાબી ગોટાળા સામે આવ્યા છે. અત્યાર સુધીમાં રૂ. ચાર કરોડની રોકડ મળી છે. બિલ્ડરોની સાથે તેમની સહભગી કંપનીઓના ડાયરેક્ટરોની ઓફિસ અને રહેઠાણે દરોડા પાડીને કરચોરી અંગેના વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. ઈન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓએ ડિજિટલ ડેટા પણ જપ્ત કર્યા છે. આ દરોડા દરમિયાન કુલ ૨૦ જેટલાં લોકરો સીલ કરાયાં છે, તેમાં રોકડ અને દાગીના હોવાની આઈટી વિભાગને આશંકા છે.