માત્ર 10 સેકન્ડમાં કરી શકાશે સોઇલ ટેસ્ટિંગ, ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે બનાવ્યું નવું ડિવાઇસ…

અમદાવાદઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના નિવૃત્ત વૈજ્ઞાનિકે એક એવું ડિવાઇસ બનાવ્યું છે જે માત્ર 10 સેકન્ડમાં જ સોઇલ ટેસ્ટિંગ કરી આપશે. સામાન્ય રીતે સોઇલ ટેસ્ટિંગમાં 10 દિવસ જેટલો સમય લાગતો હોય છે, પરંતુ આ નવી ટેક્નોલોજીથી સમયમાં મોટો ઘટાડો થશે. આ ડિવાઇસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને સ્પેક્ટ્રોસ્કોપી જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સોઇલ ટેસ્ટિંગ કરે છે. વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે જણાવ્યું કે, આ એઆઈ સોઇલ એનાલાઇઝર ડિવાઇસ જમીન ચકાસણી અને પ્રાકૃતિક ખેતીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે સક્ષમ છે.
જમીનને વધારે ફળદ્રુપ બનાવવા માટે સોઈળ ટેસ્ટિંગ આવશ્યક

ડૉ. મધુકાંત પટેલે સોઈલ ટેસ્ટિંગ (જમીન ચકાસણી)ની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય, તેવું ઉપકરણ વિકસાવ્યું છે. જમીન સારી-ફળદ્રુપ હોય તો તેના પર ફળ, શાકભાજી, અનાજ, કઠોળ સારી ગુણવત્તાવાળા અને વધારે જથ્થામાં ઊગે છે. આથી જમીન સારી છે કે નહિ? તેમાં ક્યાં તત્ત્વો ખૂટે છે? તે ચકાસવા, તેમાં રહેલાં પોષક તત્ત્વોની હાજરી માપવી માટે સોઈલ હેલ્થ ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ડિવાઇસથી સામાન્ય ખેડૂત પણ પોતાના ખેતરમાં તેનો આસાનીથી ઉપયોગ કરી શકે છે.
હવે ખેડૂતોને માટીનું ટેસ્ટિંગ ઘરે બેસીને પણ કરાવી શકશે
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ખેતરની માટીનું ટેસ્ટિંગ કરીને સોઈલ હેલ્થ કાર્ડ બનાવી આપવામાં આવે છે. રાજ્યમાં સરકારી 20 જેટલી અને સહકારી 2 સોઈલ ટેસ્ટિંગ લેબ આવેલી છે. આ તમામ લેબોરેટરીમાં ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર)ની માર્ગદર્શિકા મુજબ સોઈલ ટેસ્ટિંગ થાય છે. પાકને સારી રીતે ઉગાડવા માટે જરૂરી એવા નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવાં પોષક તત્ત્વો તેમજ પીએચ વેલ્યુ, ઇલેક્ટ્રીકલ કંડક્ટિવિટી (ઈસી) જેવા માટીના ગુણધર્મો આ લેબમાં ચકાસવા અને માપવામાં આવે છે.
પોષક તત્ત્વો માપવામાં આવે તો સારી રીતે ખેતી થઈ શકે!
સરકારી લેબમાં આ પોષક તત્ત્વો ‘વેટ કેમેસ્ટ્રી પદ્ધતિ’થી માપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ખેતરની માટીના સેમ્પલને ચકાસીને પરિણામ લેતા 2 દિવસથી વધુનો સમય લાગે છે. ખેતરમાંથી લીધેલી માટીનું સેમ્પલ સરકારી લેબમાં પહોંચે, ટેસ્ટિંગ કરવામાં તેનો વારો આવે તેમાં પણ 10-12 દિવસ કે તેથી વધુ સમય લાગી શકે છે. ડૉ. મધુકાંત પટેલે બનાવેલા ઉપકરણનો ઉપયોગ ખેતરમાં જઇ કરી શકાતો હોવાથી માટીને લેબ સુધી લઈ જવાની જરૂર રહેતી નથી.