ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્યની કારની અડફેટે આવેલો જય હજુ પણ કોમામાં, પરિવાર આર્થિક-માનસિક રીતે ભાંગી પડ્યો
ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ દ્વારા પૂરપાટ ઝડપે કાર ભગાવીને 9 લોકોને મોતને ઘાટ ઉતારવાના કેસમાં 3 મહિના બાદ પણ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલો જય ચૌહાણ નામનો યુવક અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે. ત્યારે જયના પરિવારજનો તથ્ય પટેલને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.
20 વર્ષીય જય ચૌહાણના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અકસ્માતનાં 70 દિવસ બાદ પણ દીકરો હજુ પથારીવશ છે. જયને ઝાયડસ હોસ્પિટલના તબીબોએ ઘરે જવાની રજા આપી દીધી છે. ત્યારે 3 મહિનાની સારવાર અને 28 લાખ રૂપિયાના ખર્ચ છતાંય પરિણામ શૂન્ય છે. ત્યારે હત્યાના આરોપી તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણીમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે જય ચૌહાણના પરિવાર પાસે હવે વધુ સારવારના પૈસા નથી, તે હજુ બેભાન અવસ્થામાં છે, ઝાયડસના તબીબોએ પણ જયને સારું થઇ શકે એમ નથી એમ જણાવી પરિવારને જયને પરત લઇ જવા માટે કહી દીધું છે.
ત્યારે આ અંગે ગ્રામ્ય કોર્ટના જજ ડીએમ વ્યાસે તેની ગંભીરતાથી નોંધ લઇ સરકારી ખર્ચે જય ચૌહાણની આગળ સારવાર કરાવવાનો હુકમ કર્યો હતો. તેની સિવિલમાં યોગ્ય સારવાર પૂરી પાડવા અને તે અંગેનો રિપોર્ટ સરકારમાં જમા કરાવવા જજે જણાવ્યું છે. સરકાર તરફથી વકીલે વિસ્મય શાહ કેસનો હવાલો આપી દલીલ કરી હતી કે 2015માં વિસ્મય શાહે 2 બાઇકસવારોને કાર નીચે કચડી નાખ્યા હતા તે ઘટનામાં પણ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થયો હતો અને કોર્ટે જામીન અરજી ફગાવી હતી. આમ દલીલોને અંતે કોર્ટે હવે આ કેસમાં આગામી સુનાવણી 9 ઓક્ટોબરે રાખી છે.