પીએમ મોદી 12 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવશે, 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સામેલ થશે

ગાંધીનગર : ગુજરાતમાં 12 જાન્યુઆરી 2026 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ” આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026″નું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે.
50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહભાગી થશે
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026 માં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહભાગી થશે. આ ઉપરાંત, ગુજરાત સહિત ભારતનાં 14 રાજ્યોમાંથી 936 થી વધુ પતંગબાજો ભાગ લેશે. આમ, કુલ મળીને 1071 પતંગ રસિયાઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ ઉડાડશે.
આ પતંગ મહોત્સવની મુલાકાતે આવતા નાગરિકો માટે 25 હસ્તકલા સ્ટોલ અને 15 ફૂડ સ્ટોલ પણ કાર્યરત રહેશે. જે સ્થાનિક કલા, હસ્તકલા અને સ્થાનિક વ્યંજનોને પ્રોત્સાહન આપશે.
આ પણ વાંચો : એમ મોદી શનિવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ
13 જાન્યુઆરી 2026 ના રોજ રાત્રિ પતંગ ઉડાનનું આયોજન
અમદાવાદ ખાતે 12 થી 14 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026 માં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની વિવિધ પ્રકારની રંગબેરંગી મોટી પતંગો આકાશમાં લહેરાશે. જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. આ ઉપરાંત 13 જાન્યુઆરી 2026 ના રોજ રાત્રિ પતંગ ઉડાનનું આયોજન કરવામાં આવ્યું છે.
લોકગાયિકા કિંજલ દવે પ્રસ્તુતિ કરશે
વધુમાં, પતંગ મહોત્સવ દરમિયાન અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વૉક-વે પર રચાયેલું પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની સાથે-સાથે સાંજે 7 વાગ્યાથી આયોજિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો નગરજનોને આકર્ષિત કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ દવે પ્રસ્તુતિ કરશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદ ઉપરાંત 10 જાન્યુઆરી 2026 ના રોજ રાજકોટ, સુરત અને કચ્છના ધોળાવીરા ખાતે, 11 જાન્યુઆરી, 2026 ના રોજ વડનગર, શિવરાજપુર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અને 13 જાન્યુઆરી 2026 ના રોજ વડોદરા ખાતે યોજાશે.
આ પણ વાંચો : પીએમ મોદી શનિવારે સોમનાથની મુલાકાતે, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે
વર્ષ-2025 માં પતંગ મહોત્સવમાં ગુજરાતમાંથી 3.83 લાખ મુલાકાતીઓ આકર્ષ્યા
ઉલ્લેખનીય છે કે, વર્ષ-2025 માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે સમગ્ર ગુજરાતમાં 3.83 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા હતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દ્વારા ગુજરાત પ્રવાસન નિગમ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રવાસીઓને ગુજરાતની મુલાકાત લેવા માટે આકર્ષિત કરી રહ્યું છે. જેના પરિણામ આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અંદાજિત પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવશે તેવો અંદાજ છે.



