અમદાવાદમાં પતંગોત્સવનો આરંભ, દેશના પતંગ માર્કેટમાં ૬૫ ટકા હિસ્સો માત્ર ગુજરાતનો
અમદાવાદઃ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫નો આજથી પ્રારંભ થયો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો હતો. જે બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાયણના આ તહેવારને ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે. એટલું જ નહિ પતંગોના આ પર્વને આધુનિક આયામો આપ્યા અને સાથો સાથ પ્રવાસન સાથે આ ઉત્સવને પણ જોડ્યો છે. પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ ૧૧ જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે. ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઈટ મેન્યુફેક્ચરીંગના હબ બન્યા છે. એટલું જ નહિ, આજે દેશના પતંગ માર્કેટમાં ૬૫ ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુ.કે., કેનેડા જેવા દેશોમાં એકસપોર્ટ પણ થાય છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મુખ્ય પ્રધાને કહ્યું કે, ઉત્તરાયણ ઉત્સવ દાન તેમજ ધર્મનું અને સૂર્ય નારાયણની ઉપાસનાનું પર્વ છે. એટલું જ નહિ, દાન-મહિમાની પરંપરા સાથે ઉજવાતા આ પર્વમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના પણ સમાયેલી છે. જીવમાત્રની સુરક્ષા માટે સંવેદના દર્શાવીને આ પર્વને સુરક્ષિત રીતે ઉજવવું જોઈએ તેમજ પતંગ ઉડાડવામાં પણ ખૂબ કાળજી રાખવી જોઈએ.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પ્રવાસન પ્રધાન મૂળુભાઈ બેરાએ કહ્યું કે, ઉત્તરાયણ એ સૂર્યની ઉપાસના કરવાનો અવસર છે. એટલું જ નહિ પ્રકૃતિ અને પ્રગતિનો સંદેશ પણ આ પર્વ આપે છે. આપણો દેશ ઉત્સવોનો દેશ છે અને ભારતમાં અનેક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં દર વર્ષે આયોજીત થનાર આ પતંગ મહોત્સવ સૌને વિકાસની દિશામાં ઉડવાની પ્રેરણા આપે છે એટલું જ નહી ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું કેન્દ્ર પણ આ પતંગ મહોત્સવ બન્યો છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
Also read: અમદાવાદ સહિત પાંચ શહેરમાં પતંગ મહોત્સવનો પ્રારંભ
અમદાવાદ સિવાય ક્યાં ક્યાં ઉજવાશે પતંગ મહોત્સવ
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -૨૦૨૫ની વિગતવાર માહિતી આપતા પ્રવાસન પ્રધાને કહ્યું હતું કે, આ વર્ષે તારીખ ૧૧ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ ૧૩ જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાંથી કેટલા પતંગબાજોએ લીધો ભાગ
આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતના ૧૧ શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.