પાકિસ્તાનનો પ્રતિબંધઃ ભુજના સરહદી વિસ્તારમાં એર ટ્રાફિક વધતા સ્થાનિકોમાં કૌતુક જાગ્યું
ભુજ: ભુજમાં એકતરફ જયારે ભારે ઠંડી પડી રહી છે ત્યારે આકાશમાંથી પસાર થતાં આંતરરાષ્ટ્રીય વિમાનોને નરી આંખે જોઈને લોકો રોમાંચિત થયા હતા, જ્યારે અમુક લોકોને આશ્ચર્ય થયું હતું. તાજેતરમાં પાકિસ્તાન દ્વારા તેની હવાઈ સીમાઓ પર કેટલાક નિયંત્રણો લાદવામાં આવતાં આંતરરાષ્ટ્રીય એર ટ્રાફિકનો માર્ગ બદલાયો છે અને હવે પચાસેક આંતરરાષ્ટ્રીય વિમાન મુંદ્રા અને ભુજના આકાશ પરથી પસાર થઇ રહ્યાં છે.
શા માટે દેખાય રહ્યા છે વિમાન?
સામાન્ય સંજોગોમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો જમીનથી 37,000 ફૂટથી વધુની ઊંચાઇએથી ઉડતાં હોવાથી તે જયારે પસાર થતા હોય છે ત્યારે તેનો કોઈ અવાજ પણ સંભળાતો નથી અને આકાશમાં તેના પસાર થયા બાદ કોઈ છાપ પણ જોવા મળતી નથી. એટલું જ નહીં, ભારે ઠંડીના કારણે વિમાનો દ્વારા જેટ સ્પીડથી વિસર્જિત કરાતી હવાઓનું તુરંત બાષ્પીભવન થઇ જાય છે અને તેમાંથી બરફના સ્ફટિકો બને છે જેને કારણે ટ્યુબલાઈટ જેવી સિલ્વર કલરની એક સીધી રેખા વિમાનની પાછળના ભાગે આકાશમાં દોરાઈ જાય છે જેના આગળના ભાગમાંથી વિમાન સરકતું હોવાનું નરી આંખે સ્પષ્ટ જોવા મળે છે.
આ પણ વાંચો : ભુજના લોરીયા પાસે કેમિકલ ભરેલું પલટ્યું; લોકોની આંખો-ત્વચામાં બળતરાથી ભય…
છ જેટલા આંતરરાષ્ટ્રીય વિમાન નરી આંખે જોવા મળ્યાં
આજે સાંજે પોણા છથી સાડા છ સુધીના અરસામાં આ પ્રકારના છ જેટલા આંતરરાષ્ટ્રીય ઉડાનો લોકોએ નરી આંખે જોયાં હતાં. આ અંગે કચ્છના જાણીતા ખગોળ શાસ્ત્રી નરેન્દ્ર ગોર ‘સાગર’નો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો ‘એતિહાદ’ એરવેઝના છે અને તેમનું એક વિમાન બોઈંગ 787 અબુધાબીથી બેંગકોક જઈ રહ્યું હતું, જયારે બીજું એક વિમાન દુબઈથી ચીન તરફ જતું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે એક એરબસ કુવૈતથી ચીનના શેનઝેન તરફ જઈ રહી હતી જે કાર્ગો પ્લેન હોવાનું જાણવા મળે છે, તો આજે મોડી સાંજે દિલ્હીથી દુબઇ જતું એર ઇન્ડિયાનું વિમાન પણ લોકોને નરી આંખે જોવા મળ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. અન્ય એક આંતરરાષ્ટ્રીય ઉડાન અબુધાબીથી થાઈલેન્ડના ફુકેત તરફ જઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે ફુકેત એ તાઇવાનના ફુકેત પ્રાંતમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે.