રાજ્યમાં ભાજપના પતન માટે આંતરિક ડખો જવાબદાર
![Internal factions are responsible for the downfall of the BJP in the state](/wp-content/uploads/2024/06/eknath-shinde.webp)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં ભાજપનું ખાસ્સું ધોવાણ થયું છે. ગયા વખતે 23 બેઠક પર વિજય મેળવનારી ભાજપને આ વખતે ફક્ત 10 બેઠક પર વિજય મળ્યો છે અને તેમણે 13 બેઠકો ગુમાવી છે. આ તેર બેઠકો ગુમાવવા પાછળ ભાજપના આંતરિક ડખા વધુ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
મહારાષ્ટ્ર ભાજપમાં અત્યારે ત્રણ જૂથો કામ કરી રહ્યા હોવાનું કહેવાય છે અને આ જૂથો એકબીજાને કાપવા માટેના પ્રયાસો કરતા હોવાથી ટિકિટોની વહેંચણીમાં ભારે ડખા જોવા મળ્યા હતા. ગયા વખતે વિધાનસભાની ચૂંટણીમાં પ્રકાશ મહેતા, વિનોદ તાવડે સહિત અનેક નેતાની ઉમેદવારી દેવેન્દ્ર ફડણવીસે કાપી હતી અને તેને કારણે ભાજપમાં અસંતોષ ફેલાયો હતો.
રાજ્યમાં ગોપીનાથ મુંડેના સમર્થકોનો પ્રભાવ ઓછો કરવા માટે દેવેન્દ્ર ફડણવીસે છેલ્લા દસ વર્ષમાં અનેક પ્રયાસો કર્યા છે અને તેને કારણે ભાજપમાં એક તરફ દેવેન્દ્ર ફડણવીસ, બીજી તરફ મુંડે જૂથના નેતાઓ અને આ બંનેથી અલિપ્ત એવા નીતિન ગડકરીની સાથે રહેલા નેતાઓના જૂથ હજી પણ ભાજપમાં છે.
દક્ષિણ મુંબઈની બેઠક પર ભાજપના મંગલ પ્રભાત લોઢા કે પછી રાહુલ નાર્વેકરને ઉતારવાની માગણી કરવામાં આવી હતી અને જો તેમને ઉતારવામાં આવ્યા હોત તો આ બેઠક પર ભાજપનો વિજય પાક્કો હતો, પરંતુ ફડણવીસે આ બેઠક શિવસેનાને આપી દીધી અને તેમણે મિલીંદ દેવરાને ઉતારવાને બદલે યામીની જાધવને ઉમેદવારી આપતાં અરવિંદ સાવંતનો વિજય સરળ બન્યો હતો.
પૂનમ મહાજન અને મનોજ કોટક જેવા વિજયી ઉમેદવારને સ્થાને નવા ઉમેદવારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ નિર્ણય માટે ફક્ત અને ફક્ત દેવેન્દ્ર ફડણવીસ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ જ નિર્ણયને કારણે ભાજપે આ બંને બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો, એમ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ચંદ્રપુરની બેઠક પરથી ચૂંટણી લડવાની અનિચ્છા છતાં સુધીર મુનગંટીવારને લોકસભાની ઉમેદવારી આપવામાં આવી હતી અને તેમનો બે લાખથી વધુ મતે પરાજય થયો હતો. અમરાવતીમાં ગયે વખતે અપક્ષ તરીકે ચૂંટાઈ આવેલા નવનીત રાણાને સાથી પક્ષ પ્રહારના બચ્ચુ કડુના વિરોધ છતાં ભાજપના ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી હતી અને ફડણવીસનો આ નિર્ણય ખોટો સિદ્ધ થયો હતો અને તેઓ હારી ગયા હતા.
ધુળે, ભંડારા-ગોંદિયા, ગઢચિરોલી-ચિમુર, નાંદેડ અને જાલનાની બેઠક પર ભાજપના ઉમેદવારના પરાજય માટે પણ પાર્ટીના આંતરિક ડખા જવાબદાર હોવાની વાતો ભાજપના વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.