અમદાવાદના જગન્નાથ મંદિરમાં સર્જાયા સુંદર દૃશ્યો જ્યારે વિસ્તારની મુસ્લિમ મહિલાઓ…
અમદાવાદઃ ગુજરાતનું શહેર અમદાવાદ ઘણી કોમી રમખાણોનો ખૌફ જોઈ ચૂક્યું છે અને કમનસીબે બે કોમ વચ્ચેનું ઘર્ષણ ઘણીવાર વરવું સ્વરૂપ લઈ લે છે, પણ આવી સ્થિતિમાં ઘણી ઘટનાઓ બને છે જે ધર્મ-જાતિના વાડાને તોડી માનવતાને મહેંકાવે છે. આવી જ ઘટના રક્ષાબંધનના તહેવારે પણ બની છે. શહેરનું જગન્નાથ મંદિર, જ્યાંથી અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રા નીકળે છે, તે અહીંના મુસ્લિમ વિસ્તાર જમાલપુરમાં આવેલું છે. આ મંદિરના મહંત દિલીપદાસજીને આજે મુસ્લિમ બહેનોએ રાખડી બાંધી છે અને શુભેચ્છાઓ પાઠવી છે. દર વર્ષે અહીં મુસ્લિમ મહિલાઓ મહંતને રાખડી બાંધે છે.
અમદાવાદના જગન્નાથ મંદિરમાં મુસ્લિમ મહિલાઓએ મંદિરના મહંતને રાખડી બાંધી મીઠાઈ પણ ખવડાવી હતી. જમાલપુર તેમજ આસપાસની મુસ્લિમ મહિલાઓ દર વર્ષે મહંતને રાખડી બાંધે છે, સાથે સાથે તેમના સ્વાસ્થ્યને લઈ પ્રાર્થના પણ કરે છે, આ પરંપરા આજની નથી પરંતુ દર વર્ષે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો :ગુજરાતની તમામ સ્કૂલોમાં નવી ગાઈડ લાઈન ના આવે ત્યા સુધી પ્રવાસ બંધ
રક્ષાબંધન સાથે જોડાયેલી છે આ પૌરાણિક કથાઓ
શ્રીમદ ભાગવતમાં આપવામાં આવેલી કથા પ્રમાણે ભગવાન વિષ્ણુ જ્યારે બલિરાજા પાસે વરદાન માગીને એને રસાતલ નામના પાતાળમાં લઈ ગયા ત્યારે બલિએ વિષ્ણુને ઉપર જવા દીધા ન હતા. એ વખતે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને ભાઈ બનાવ્યા હતા અને વિષ્ણુને છોડાવ્યા હતા. બલિનો તહેવાર હોવાથી એનું નામ બળેવ પણ છે. ગામડાઓમાં આજે પણ આ તહેવારને બળેવ જ કહેવામાં આવે છે. આ રીતે રક્ષાબંધનનો દિવસ પુરાણ કાળથી ચાલ્યો આવે છે. અને શ્રીકૃષ્ણએ ચીરહરણ પ્રસંગે દ્રૌપદીની લાજ પણ રાખી હતી. કુંતા માતાએ અભિમન્યુની રક્ષા કરવા માટે એને પણ રાખડી બાંધી હતી. મહાભારતમાં આ બંને પ્રસંગ છે.