અમેરિકામાં ઘૂસણખોરી કાંડ: છ વોન્ટેડ આરોપીઓના માથે ઈનામ જાહેર કરાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:ઉત્તર ગુજરાતમાંથી કરોડો રૂપિયા ખર્ચીને ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસણખોરીએ કરવાના વધી રહેલા પ્રમાણનો ફાયદો ઉઠાવીને ગેરકાયદે રીતે ઘૂસણખોરીનો ગોરખધંધો કરાવનારા એજન્ટો પર પોલીસે તવાઇ શરૂ કરી છે. આવા અજન્ટો લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલીને બોગસ પાસપાર્ટ અને વીઝા પણ બનાવી આપતા હોવાનું ખૂલ્યા બાદ પોલીસે આ રેકેટમાં સંડાવાયેલા છ એજન્ટોને વોન્ટેડ જાહેર કરીને તેમના માથે રૂ.૨૫ હજારનું ઇનામ પણ જાહેર કર્યું છે.
અમદાવાદના સોલા વિસ્તારમાં કબૂતરબાજી તેમજ ડમી પાસપોર્ટ અંગેની ફરિયાદમાં મુખ્ય આરોપી બોબી પટેલની ધરપકડ થયા બાદ અન્ય આરોપીઓ પણ પકડાયા હતા. જો કે, છ જેટલા આરોપીઓ ભૂગર્ભમાં જ ઉતરી ગયા હતા. તેમને પકડવા સ્ટેટ મોનિટરિંગ સેલ માટે એક આરોપી દીઠ ૨૫ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.
ડીંગુચાના એક જ પરિવારના ચાર સભ્યો કેનેડાની બોર્ડરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતા સમયે ચારેયનું ઠંડીને કારણે મોત નિપજ્યું હતું. આ ઘટના ઇન્ટરનેશનલ મુદ્દો બની હતી. આ મામલાનો મુખ્ય આરોપી જયેશ ઉર્ફે બોબી પટેલ હોવાનું સામે આવ્યું હતું પરંતુ પોલીસ અને એજન્સીઓ પકડી શકી ન હતી.
વર્ષ ૨૦૨૨માં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વોચ ગોઠવીને ગાંધીનગર પાસેથી જયેશ ઉર્ફે બોબી પટેલને પકડી પાડયો હતો. બાદમાં જયેશ ઉર્ફે બોબીની ઓફિસમાં તપાસ કરતા ૬૯ જેટલા પાસપોર્ટ મળી આવ્યા હતા. જેમાં ૫ પાસપોર્ટ નકલી હોવાનું સામે આવ્યું હતું.