આપણું ગુજરાત

જૂનાગઢમાં બનશે ભારતની સૌથી મોટી વન્યજીવન હોસ્પિટલ, આ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે

ગાંધીનગર: પૃથ્વી પર એશિયાટિક સિંહોના એક માત્ર કુદરતી નિવાસસ્થાન સૌરાષ્ટ્રના જૂનાગઢમાં વન્ય પ્રાણીઓની સારવાર માટેની ભારતની સૌથી મોટી હોસ્પિટલ શરુ કરવામાં આવશે. જૂનાગઢ શહેરથી લગભગ 20 કિમી દૂર નવા પીપળીયા ગામમાં 21 હેક્ટર જમીનમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું નેશનલ વાઇલ્ડલાઇફ ડિસીઝ ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટર (NWDDRC)ના ભવનનું નિર્માણ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા વન વિભાગને જમીનનો કબજો આપવામાં આપી દેવામાં આવ્યો છે. આ સુવિધા માટે ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય એ માટે રાજ્ય સરકાર યોગ્ય તારીખ શોધી રહી છે. વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, માણસો માટે AIIMSની જેમ આ સુવિધા પ્રાણીઓને સારવાર પૂરી પડશે, વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવામાં આવી રહ્યો છે. વન્ય પ્રાણીઓમાં વધી રહેલા ઝૂનોટિક રોગોના પગલે પ્રાણીઓ માટે તબીબી સુવિધા જરૂરી બની છે.

વન વિભાગના જણાવ્યા મુજબ, આ રેફરલ હોસ્પિટલ પ્રોજેક્ટ લાયન હેઠળ સ્થાપિત કરવામાં આવી રહી છે. ભારત સરકાર તેના માટે રોડમેપ તૈયાર કરી રહી છે. પાનડેમિક અને પ્રાણીઓમાં જોવા મળતા અન્ય તમામ રોગોનો સામનો કરવા માટે સંશોધન પર ભાર મૂકવાની સાથે તેમાં ખૂબ જ અદ્યતન સુવિધાઓ હશે.

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના આ પ્રોજેક્ટને અમલમાં મુકવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)ને નોડલ એજન્સી તરીકે નીમવામાં આવી છે. રાજ્યનું વન વિભાગ આ પ્રોજેક્ટ સાથે ભાગીદારી કરી રહ્યું છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 500 કરોડનો છે.

અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, “આ માત્ર રોગગ્રસ્ત પ્રાણીઓની સારવાર માટેની હોસ્પિટલ નહીં હોય પરંતુ પ્રાણીઓના સેમ્પલ્સનું પરીક્ષણ કરવા, અત્યાધુનિક તબીબી સાધનો સાથે વેક્સિન તૈયાર કરવા, આંતરરાષ્ટ્રીય ધોરણની લેબોરેટરી, નિદાન કેન્દ્રની સુવિધાઓ હશે, અહીં સારી રીતે પ્રશિક્ષિત પામેલા સ્ટાફની સમગ્ર દેશમાંથી ભરતી કરવામાં આવશે.”

અત્રે ઉલ્લેખનીય છે કે 2018 માં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) ફાટી નીકળતા એકલા ગીરમાં જ 34 સિંહોના મૃત્યુ થયા હતા. એ સમયે વેક્સિન યુ.એસ.એથી આયાત કરવી પડી હતી. અધિકારીના જણાવ્યા મુજબ એકવાર આ સુવિધા કાર્યરત થઈ જાય પછી, દેશમાં જ વેક્સીન બનાવવામાં આવશે. ભારત પ્રાણીઓ માટે રસીની નિકાસ કરી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button