વિદેશનો મોહ : ભારતની નાગરિકતા છોડેલ આટલા લોકોએ અમદાવાદમાં સરેન્ડર કર્યા ભારતીય પાસપોર્ટ

અમદાવાદ: વિદેશમાં ફરવા, ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે વિદેશ જવા માટેની વાત હોય તો ગુજરાત, પંજાબ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, કેરળ સહિતના અનેક રાજ્યોમાંથી લોકો મોટી સંખ્યામાં વિદેશમાં જાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવું બની રહ્યું છે કે વિદેશ ગયેલા લોકો ભારતીય લોકો ત્યાં જ સ્થાયી થઈ રહ્યા છે અને નાગરિકતા મેળવ્યા બાદ તેઓ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરી રહ્યા છે.
કોરોનાની મહામારી બાદ પાસપોર્ટ માટેની અરજીઓની સંખ્યામાં અને પ્રાદેશિક પાસપોર્ટ ઑફિસમાંથી પાસપોર્ટ જારી કરવાની પ્રક્રિયામાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ તેની સાથે ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરીને ભારતીય નાગરિકતા છોડી દેનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે વિદેશમાં એવું શું છે જેના કારણે લોકો ત્યાંની નાગરિકતા મેળવ્યા બાદ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરી રહ્યા છે?
આ પણ વાંચો : પથ્થરમારા કેસમાં કોંગ્રેસ કાર્યકરોને હાઇકોર્ટના જામીન :શક્તિસિંહે કહ્યું પોલીસ માત્ર ભાજપને મદદ કરે છે’
અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2023માં 485 લોકોએ તેમના ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા. આ સંખ્યા પાછલા વર્ષ 2022માં 241 કરતા બેગણી છે અને આ વર્ષે માત્ર છ મહિનામાં જ 245 લોકોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે. અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો એમ કહી શકાય કે આ વર્ષના અંત સુધીમાં કદાચ ગયા વર્ષની જેમ અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં એટલી જ સંખ્યામાં લોકો તેમના ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરશે.
ભારતમાંથી વિદેશ જઈને ઉચ્ચ અભ્યાસ, ફરવા કે નોકરી માટે જનારા લોકોને બદલે હવે ભારતની નાગરિકતા છોડીને વિદેશના નાગરિક બનવાનો એક દોર ચાલી રહ્યો છે. હાલમાં જ પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર કોઈ એક ક્ષેત્રના જ વિદેશ વસેલા લોકોનો આંકડો છે. જો કે સમગ્ર ભારતના સંદર્ભે આ આંકડો મૂલવવામાં આવે તો હજુ વધી શકે છે.