વધાઈયુંઃ હવે ભુજથી રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેનઃ બે દાયકાની પ્રતીક્ષાનો આવશે અંત…
ભુજઃ વંદે મેટ્રો બાદ કચ્છવાસીઓને રેલવેએ વધુ એક રાહતના સમાચાર આપ્યા છે. બે દાયકા બાદ આ આનંદ થાય તેવી બિન સત્તાવાર માહિતી મુંબઈ સમાચારને મળી છે.
આ પણ વાંચો : દિવાળી વેકેશનમાં રાજસ્થાન ફરવા થઈ જાવ તૈયાર: રેલવેએ શરૂ કરી બે સ્પેશિયલ ટ્રેન
સરહદી કચ્છના પાટનગર ભુજને રાજકોટ સાથે જોડતી નવી ટ્રેન શરૂ કરવા માટે પશ્ચિમ રેલવેએ લીલીઝંડી આપી દીધી છે.
તાજેતરમાં નવી વંદે ભારત મેટ્રો ટ્રેન શરૂ થયા બાદ ભુજ-ગાંધીનગર રૂટ પર ચાલતી ઇન્ટરસિટીના રેક ૩૦મી સપ્ટેમ્બર બાદ ભુજ-રાજકોટ વચ્ચે દોડશે.
ઉલ્લેખનીય છે કે, મહાભૂકંપ બાદ સમયની માંગને જોતાં રાજકોટથી ભુજ વચ્ચે આનંદ એક્સપ્રેસ દોડતી. જોકે પ્રવાસીઓ ન મળતા હોવાનું કારણ આગળ ધરીને રેલવે દ્વારા એકાદ વર્ષમાં જ આ સેવા બંધ કરી દેવાઈ હતી.
આટલા વર્ષોથી અનેક રજૂઆતો કરવા છતાં કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતી એક પણ કાયમી રેલસેવા ઉપલબ્ધ ન હોવાથી પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો જો કે, હવે વર્ષ ૨૦૦૩ બાદ રાજકોટ-ભુજ વચ્ચે ટ્રેન દોડાવવાનું નક્કી કરાતા મુસાફરોને રાહત મળશે.
આ ટ્રેન મોરબી અને માળિયા સહિત ૭ સ્ટેશન પર ટ્રેન ઊભી રહેશે. ભુજથી સવારે ૬.૫૦ કલાકે ઉપડી બપોરે ૧.૩૫ના સુમારે રાજકોટ પહોંચી જશે અને રંગીલા રાજકોટથી બપોરે ૨.૩૫ કલાકે ઉપડી રાત્રે ૯.૪૦ના પરત ભુજ આવશે.
ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા, મોરબી સ્ટોપ પ્રસ્તાવિત રૂટમાં નક્કી કરાયા છે. ગાંધીધામ સ્ટેશને ૨૦, મોરબી ૫ અને અન્ય સ્ટેશનોએ ૨ મિનિટનો હોલ્ટ રહેશે. અંજાર અને આદિપુર સ્ટેશને ટ્રેન ઊભશે નહીં. ૨૭૩ કિલોમીટરનું અંતર કાપવામાં ટ્રેન ૭ કલાકનો સમય લેશે.
હાલમાં દેશની પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેન ભુજને ફાળવવામાં આવી જે ભુજ-અમદાવાદ વચ્ચે દોડે છે. આ રૂટ પર દોઢેક વર્ષથી ઇન્ટરસિટી ચાલુ છે. ભુજ-ગાંધીનગર વચ્ચે દોડતી ઇન્ટરસિટી બંધ થવાની શક્યતા છે જેના બદલે રાજકોટ-ભુજ વચ્ચે ટ્રેન સેવા શરૂ થશે. અમદાવાદ ડિવિઝન કચેરીના પ્રપોઝલ બાદ પશ્ચિમ રેલવેની મુંબઈની વડી કચેરી દ્વારા પત્ર લખી સ્પેશિયલ ટ્રેન દોડાવવા જણાવાયું છે.