આપણું ગુજરાત

રશિયાથી ગુજરાત તરફ આવી રહેલા જહાજ સામે ભારતની કાર્યવાહી; આ કારણે પરત મોકલ્યું…

અમદાવાદ: ભારતીય બંદર સત્તાધીશોએ રશિયાથી ગુજરાત તરફ આવી રહેલા રશિયન જહાજ પર કાર્યવાહી કરી હતી. દસ્તાવેજોના અભાવે રશિયન ક્રૂડ ઓઇલ લઈને જૂના ટેન્કરને બંદરમાં પ્રવેશતા અટકાવવામાં આવી હોવાની વિગતો મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે આવી કાર્યવાહી કરવામાં આવતી નથી, જે દર્શાવે છે કે રશિયન તેલ વહન કરતા જહાજો પર હવે કડક તપાસ કરવામાં આવી રહી છે.

800,000 બેરલ ક્રૂડ ઓઇલની સપ્લાઈ

મળતી વિગતો અનુસાર રશિયન ઓઇલ કંપની લુકોઇલ દ્વારા ઉત્તરીય રશિયન બંદર મુર્મન્સ્ક પરથી લગભગ 800,000 બેરલ ક્રૂડ ઓઇલ સપ્લાઈ કરવામાં આવ્યું હતું. આ જહાજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને ડિલિવરી આપવા માટે ગુજરાતના વાડીનાર બંદર તરફ જઈ રહ્યું હતું. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ જહાજને પાછું મોકલવામાં આવ્યું હતું.

ભારતના બંદર પ્રવેશ નિયમો અનુસાર, 20 વર્ષથી વધુ જૂના જહાજોએ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ક્લાસિફિકેશન સોસાયટીઝના સભ્ય અથવા ભારતીય દરિયાઇ વહીવટ દ્વારા અધિકૃત એન્ટિટી પાસેથી દરિયાઇ યોગ્યતા પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે.

રશિયન ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ગ્રાહક દેશ

ભારત રશિયન ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ગ્રાહક દેશ છે અને દરિયાઈ માર્ગે રશિયાથી મોટી માત્રામાં તેલ આયાત કરે છે. 2024 માં, ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતમાંથી લગભગ 35% રશિયાથી હતી. ભારત વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલનો સૌથી મોટો આયાતકાર અને ગ્રાહક દેશ છે.

આ પણ વાંચો : Gujarat મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક વિધાનસભામા સર્વાનુમતે મંજૂર, મત્સ્ય હાર્બરને મળશે અદ્યતન સુવિધાઓ…

જાન્યુઆરીમાં અમેરિકા દ્વારા રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ભારત અને ચીન જેવા મુખ્ય ખરીદદારો તરફથી રશિયન ક્રૂડ ઓઇલની માંગમાં ઘટાડો થયો છે. આ અમેરિકન પ્રતિબંધોનો ઉદ્દેશ્ય રશિયન અર્થતંત્રને નબળું પાડવાનો છે, જેની સીધી અસર તેલ વેપાર પર પડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button