અરબી સમુદ્રમાં કોસ્ટ ગાર્ડનું મધરાતે ઓપરેશન: ૯ પાકિસ્તાનીઓ સાથે ‘અલ-મદીના’ બોટ ઝડપાઈ!

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટ ગાર્ડે મધરાતે એક સાહસિક ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પાસે ઘૂસણખોરી કરી રહેલી પાકિસ્તાની બોટ ‘અલ-મદીના’ને ઝડપી પાડી હતી. બોટમાં સવાર 9 ક્રૂ મેમ્બરોને કસ્ટડીમાં લઈને સઘન પૂછપરછ માટે પોરબંદર લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર અરબી સમુદ્રમાં ભારતીય દરિયાઈ સીમાની સુરક્ષા કાજે તૈનાત ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન, કોસ્ટ ગાર્ડના જહાજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પાસે ભારતીય જળસીમામાં એક શંકાસ્પદ પાકિસ્તાની ફિશિંગ બોટ જોઈ હતી.
કોસ્ટ ગાર્ડ દ્વારા પડકારવામાં આવતા, આ બોટે પાકિસ્તાન તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય જવાનોએ અત્યંત ઝડપી અને સચોટ કાર્યવાહી કરી રાત્રિના અંધારામાં જ આ બોટને આંતરી લીધી હતી અને ભારતીય જળસીમામાં જ તેને કબજે કરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ પાકિસ્તાની બોટનું નામ ‘અલ-મદીના’ છે અને તેમાં કુલ ૦૯ ક્રૂ મેમ્બરો સવાર હતા. હાલમાં આ બોટને ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ દ્વારા ખેંચીને પોરબંદર લાવવામાં આવી હતી, જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટની સઘન તપાસ અને ક્રૂ મેમ્બરોની સંયુક્ત પૂછપરછ કરવામાં આવશે.



