અમેરિકામાં ગુજરાતીની હત્યા: FBI એ હત્યારાને પકડવા ઈનામની રકમ વધારીને 20,000 ડૉલર કરી…

અમદાવાદ/વોશિગ્ટંન ડીસીઃ અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર હુમલાની ઘણી ઘટના સામે આવી છે. જે પૈકી કેટલાકના મૃત્યુ પણ થયા છે. 2021ની આવી જ ઘટનામાં ગુજરાતી-અમેરિકન અમિત પટેલની જ્યોર્જિયાના કોલમ્બસમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, પરંતુ FBI આ કેસમાં હજી સુધી કોઈ સફળતા મેળવી શકી નથી. વર્ષોની તપાસ છતાં, કોઈ ધરપકડ થઈ નથી, અને પટેલનો હત્યારો હજી પણ પોલીસ પકનથી આવ્યો. આ અજાણ્યા હત્યારાને પકડવા માટે FBI એ ઈનામની રકમ 15,000 ડૉલરથી વધારીને 20,000 ડૉલર કરી છે.
45 વર્ષીય અમિત પટેલને ડિસેમ્બર 2021માં બ્યુએના વિસ્ટા રોડ પર આવેલી સિનોવસ બેંકની બહાર ગોળી મારવામાં આવી હતી. તેઓ તેમના વિકલી બિઝનેસી આવક બેંકમાં જમા કરાવવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. પોલીસ રિપોર્ટ મુજબ, હત્યા પાછળનો હેતુ લૂંટનો હતો. અમિત પટેલ બેંક પર પહોંચ્યા કે તરત જ એક કાર તેમની બાજુમાં આવીને ઊભી રહી, જેમાં બે હુમલાખોર હતા.

એક હુમલાખોર બહાર નીકળ્યો હતો અને તેણે અમિત પટેલ પાસેથી રોકડ રકમ ભરેલી બેગ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેમણે પ્રતિકાર કર્યો, ત્યારે ઝપાઝપી થઈ હતી. જે બાદ હુમલાખોરે ગોળીબાર કર્યો અને પટેલને છાતીમાં વાગી હતી. તેઓ બેંકના મુખ્ય દરવાજા પાસે જ ઢળી પડ્યા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જે બાદ આરોપીઓ રોકડ લઈને ફરાર થઈ ગયા હતા.
બેંક પોલીસ સ્ટેશનની નજીક હોવા છતાં, હત્યારાઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. ગુનામાં વપરાયેલી કાર બાદમાં ફેનિક્સ સિટીમાં સળગાવેલી હાલતમાં મળી આવી હતી, જેના કારણે સંભવિત ફોરેન્સિક પુરાવાઓ નષ્ટ થઈ ગયા હતા. જુલાઈ 2025માં આ ઘટનાના સીસીટીવી જાહેર કરવામાં આવ્યા હતા. ફૂટેજમાં આરોપીએ માસ્ક પહેર્યો હતો અને વાહન પર નંબર પ્લેટ ન હોવાને કારણે તેને ટ્રેસ કરવું લગભગ અશક્ય બની ગયું હતું. આમ હત્યાના આટલા લાંબા સમય સુધી આરોપીની કોઈ ભાળ ન મળતાં એફબીઆઈ દ્વારા ઈનામની રકમ 15,000 ડૉલરથી વધારીને 20,000 ડૉલર કરવામાં આવી હતી.



