તમે એકલા જ નથી, 30 કરતા વધારે દેશના લોકો આવ્યા છે મેચ જોવા
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાનાર હાઇપ્રોફાઇલ ભારત- પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ભારતમાં તો બે વાગ્યા બાદ કરફ્યું જેવો માહોલ હશે પણ 30 કરતા પણ વધારે દેશના ક્રિકેટરસીયાઓ અહીં મેચ જોવા આવ્યા હોવાનું અહેવાલ જણાવે છે.
મળતી માહિતી મુજબ ગુજરાત બહારના રાજ્યોમાં સૌથી વધારે લોકો મહારાષ્ટ્ર, એમપી અને રાજસ્થાનમાંથી આ મેચ જોવા આવ્યા છે. જ્યારે વિદેશમાંથી 390 લોકો મેચ જોવા આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરની 1229 હોટલોના 21739 રૂમ બુક કરાવવામાં આવ્યા છે.
ઇંગ્લેન્ડના લોકોએ હોટલોમાં 45 રૂમ, અમેરીકાના લોકોએ 34 રૂમ બુક કરાવ્યા છે. આ ઉપરાંત નેપાળ, જાપાન, અલ્જીરીયા, સિંગાપોર, રશિયા, આયર્લેન્ડ, ટાન્ઝાનિયા, યુએઇ સહીત અન્ય દેશોમાંથી લોકો અત્રે મેચ જોવા આવ્યા હોવાનું અહેવાલ જણાવે છે. કેટલાક સિંગલ રૂમમાં પાંચ લોકો ઉતર્યા હોવાનું પણ કહેવાય છે.
વિદેશમાંથી લોકો દર વર્ષે નવરાત્રી ઉજવવા અમદાવાદ આવે છે પરંતુ આ વખતે અલ્બેનિયા, હોંગકોંગ, કોરિયા, ઉઝબેકિસ્તાન જેવા દેશના લોકોએ હોટલોમાં રૂમ બુક કર્યા છે અને તેઓ માત્ર આ મેચ જોવા આવ્યા હતા.