ગુજરાતના શિક્ષકોએ એક તો પેપર ચકાસણીમાં કરી ભૂલ અને પાછો દંડ પણ નથી ભર્યો

ગાંધીનગરઃ બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતા હોય છે ત્યારે શિક્ષકો પેપર ચકાસવામાં ભૂલ કરે તો વિદ્યાર્થીઓએ ભારે નુકસાન વેઠવું પડતું હોય છે. આવી ભૂલ કરનારા શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો હતો, પણ તેમણે દંડ પણ ભર્યો નથી તેવી માહિતી વિધાનસભાના સત્રમાં મળી છે. ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષાની ઉત્તરવહીના સરવાળામાં ભૂલ કરવા બદલ છેલ્લા બે વર્ષમાં 9218 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી 2657 જેટલા શિક્ષકોએ દંડના બાકી 55 લાખ રૂપિયા ભર્યા નથી.
વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ પ્રધાને માહિતી આપી હતી કે ધોરણ-10માં બે વર્ષમાં 3350 અને ધોરણ-12માં 5868 શિક્ષકોએ પેપરની ચકાસણીમાં ભૂલો કરી હતી. આ ભૂલ બદલ તમામને શિક્ષણ વિભાગ દ્વારા અનુક્રમે રૂ. 48 લાખ અને રૂ. 1.02 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શિક્ષકોને કરવામાં આવેલા દંડ પૈકી મોટાભાગના શિક્ષકોએ દંડની રકમ ભરી દીધી છે પરંતુ ધોરણ-10માં હજી સુધી 787 અને ધોરણ-12માં 1870 શિક્ષકોએ દંડની રકમ ભરી નથી.
આ બન્ને ધોરણમાં દંડની રકમ અનુક્રમે 13 લાખ અને 42 લાખ થવા જાય છે. આમ હજુ રૂ. 55 લાખ જેટલી રકમ ભરવાની બાકી છે. જેમણે દંડ ભર્યો નથી તેમની શાળા તેમ જ સંબંધિત શિક્ષણ કચેરીઓમાં જાણ કરવામાં આવી હોવાનું પણ પ્રધાને જણાવ્યું હતું.