આપણું ગુજરાત

ભારત-સ્પેન વચ્ચેના વેપારનું કદ વિસ્તર્યું: ગુજરાત બન્યું સ્પેનિશ કંપની માટે પ્રથમ પસંદગી!

અમદાવાદ: ગુજરાતના વિદેશ સાથે સદીઓથી વ્યાપારી સબંધો રહેલા છે, ત્યારે આગામી સપ્તાહે વડોદરા ખાતે ટાટા એરબસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવા માટે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ગુજરાતની મુલાકાત લેવાના છે.  ગુજરાત અને સ્પેન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આ મુલાકાત વધુ ગાઢ બનાવશે. વ્યૂહાત્મક સ્થાન અને ઔદ્યોગિક માળખાને લીધે ભારત અને સ્પેન વચ્ચેના વેપાર માટે ગુજરાત ખૂબ મહત્વનું કેંદ્ર રહ્યું છે. 

પવન ઉર્જાના વિકાસના સ્પેનિશ કંપનીનું યોગદાન:

ગત વર્ષોમાં ઘણી સ્પેનિશ કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કર્યું છે.  ગુજરાતમાં સ્પેનના રોકાણોમાં ગ્રૂપો એન્ટોલિનનો સમાવેશ થાય છે, જેણે ફોર્ડ અને ટાટા જેવા અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદકોને સેવા આપવા માટે 2015માં સાણંદમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપિત કરી હતી. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં, સાઇમેન્સ ગામેસા અને વિન્ડર રિનોવેબલ્સે હાલોલમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપ્યા છે.  જે ગુજરાતના પવન ઊર્જાના ક્ષેત્રના વિકાસમાં તેનું મહત્વનું પ્રદાન રહ્યું છે.  

ટ્રસ્ટિન ટેપે 2018માં ગુજરાતના દહેજમાં મેન્યુફેક્ચરિંગ સેન્ટર શરુ કર્યું હતું અને ભારતની પ્રથમ અને એકમાત્ર માસ્કિંગ ટેપ પ્રોડક્શન કંપની બની હતી. ઉપરાંત અત્તરનું ઉત્પાદન કરતી કંપની આઇબરચેમ વર્ષ 2010થી અમદાવાદના ચાંગોદરમાં પોતાની ફેસિલિટી ચલાવી રહી છે. 

વડોદરા  ટાટા-એરબસ પ્રોજેક્ટનું છે મહત્વ:

વડોદરામાં ટાટા-એરબસ પ્રોજેક્ટ ગુજરાત અને સ્પેન વચ્ચે વધતા વ્યૂહાત્મક સંરક્ષણ સહયોગની મજબૂતી દર્શાવે છે. ભારત માટે જે 56 C295 લશ્કરી એરક્રાફ્ટનું નિર્માણ થવાનું છે તેમાંથી 40 ભારતમાં જ બનાવવામાં આવશે, જે બંને પ્રદેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરશે. સ્પેનમાં ગુજરાતની નિકાસમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જે 2023-24માં 0.94 અબજ ડોલર સુધી પહોંચી છે. 

ઉલ્લેખનીય છે કે, ભારત અને સ્પેન મજબૂત દ્વિપક્ષીય વ્યાપારી સંબંધો ધરાવે છે. બંને દેશો વચ્ચેનો વેપાર વર્ષ 2023-24માં 7.24 અબજ ડોલર સુધી પહોંચ્યો છે. તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચેના વ્યાપારમાં સ્થિર વધારો જોવા મળ્યો છે, અને બંને દેશો વચ્ચેનો વેપાર રિન્યુએબલ એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ અને ટેક્નોલોજી જેવા મુખ્ય ક્ષેત્રોમાં વિસ્તરી રહ્યો છે. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2021-22માં 6.77 અબજ ડોલરથી વધીને 2023-24માં 7.24 અબજ ડોલર થયો છે. 

ભારત અને સ્પેનના આથિક સબંધો:

યુરોપિયન યુનિયનમાં સ્પેન ભારતનું છઠ્ઠું સૌથી મોટું વ્યવસાયિક ભાગીદાર છે. ભારત સ્પેનમાં ખનિજ ઇંધણ, રસાયણો, મશીનરી, કપડાં અને લોખંડ અને સ્ટીલની નિકાસ કરે છે. આઈટી, ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગમાં ઘણી ભારતીય કંપનીઓએ સ્પેનમાં કામગીરી શરૂ કરી છે જેના લીધે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. સ્પેને ભારતમાં (એપ્રિલ 2000 થી જૂન 2024 સુધી) 4.2 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. ભારત સ્પેનમાંથી જહાજો, મશીનરી અને પીણાંની આયાત કરે છે, જેના લીધે ઉત્પાદન અને સંરક્ષણ જેવા ઉદ્યોગોને વેગ મળ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા ભારતીય રાજ્યોમાં 280 થી વધુ સ્પેનિશ કંપનીઓ કાર્યરત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button