ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ: કચ્છમાં બ્લેકઆઉટ, 154 તબીબી અધિકારીને સોંપી જવાબદારી…

અમદાવાદ: ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સબંધોમાં તણાવ યથાવત છે. ગુરુવાર રાત્રે જમ્મુથી લઈને પશ્ચિમમાં કચ્છ બોર્ડર સુધી ડ્રોન અને હવાઈ હુમલાનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમ છતા આજે બીજા દિવસે પણ પાકિસ્તાને નાપાક હરકત કરી હોવાના અહેવાલ છે. ત્યારબાદ સુરક્ષાની સ્થિતિને ધ્યાને લઈને ગુજરાત સહિત સરહદી રાજ્યોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. સરકારે પણ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
154 તબીબી અધિકારીઓને સોંપાઈ ફરજ
દેશ અને રાજ્યમાં હાલમાં સર્જાયેલી આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેવાઓ સતત કાર્યરત રહે તે અત્યંત જરૂરી છે. તેને અનુલક્ષીને રાજ્યના સરહદી જિલ્લાઓ જેવા કે જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ ખાતે તબીબી અધિકારી વર્ગ-૨ ની નિમણૂક કરવામાં આવી છે. સરકારનાં આદેશ અનુસાર જુદા જુદા જિલ્લાનાં 154 તબીબી અધિકારીઓને સરહદી જિલ્લાઓમાં ફરજ સોંપવામાં આવી છે.
આ અંગે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તે અંતર્ગત સંબંધિત તબીબી અધિકારીઓને અન્ય કોઈ આદેશ ન થાય ત્યાં સુધી સરકારે જે સ્થળ પર ફરજ સોંપી છે ત્યાં જાહેર હિતમાં કામગીરી કરવા સૂચિત કરવામાં આવ્યા છે. આ નિર્ણય સરહદી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી લેવામાં આવ્યો છે, જેથી કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક અને અસરકારક તબીબી સહાય પૂરી પાડી શકાય.
કચ્છ જિલ્લામાં પણ બ્લેકઆઉટની જાહેરાત
ભારત પાકિસ્તાન વચ્ચેનાં તણાવને પગલે પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા સંવેદનશીલ ગણાતા કચ્છ જિલ્લામાં પણ બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી છે. કચ્છ જિલ્લા કલેકટરના સત્તાવાર ટ્વિટર હેન્ડલ (X) પરથી એક સૂચના જાહેર કરવામાં આવી છે જે મુજબ સમગ્ર જિલ્લામાં તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જ્યાં સુધી આગળની કોઈ સૂચના ન મળે ત્યાં સુધી આ બ્લેકઆઉટ અમલમાં રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
બનાસકાંઠામાં પણ આજે બ્લેકઆઉટ
તે ઉપરાંત સરહદી જિલ્લા બનાસકાંઠામાં પણ આજે બ્લેકઆઉટની જાહેરાત કરી છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના સૂઈગામ અને વાવ તાલુકાનાં તમામ ગામોમાં તકેદારીના ભાગરૂપે આજરોજ બ્લેકઆઉટ કરવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરીકોને અફવાઓથી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.