ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી ટિકિટો સાથે ચારને ઝડપ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૪ ઑક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન મેચ રમાવાની છે શહેર ક્રાઇમ બ્રાન્ચે બોડકદેવમાંથી મેચની ૧૫૦ નકલી ટિકિટો સાથે ચાર શખસોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બોડકદેવમાં જજીસબંગ્લો રોડ પર નિધી કોમ્પલેક્ષમાં આવેલી ક્રિષ્ણા ઝેરોક્ષ નામની દુકાનમાં ચાર શખસો ભેગા મળીને ભારત-પાકિસ્તાનની મેચની નકલી ટિકિટો બનાવી તેનું વેચાણ કરી રહ્યાં છે. બાતમીના આધારે આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરમિયાન ચાર શખસો મળી આવ્યા હતા.
પૂછપરછ કરતા દુકાનનો માલિક કુશ મીણા હતો અને અન્ય ત્રણ શખસ રાજવીર ઠાકોર, ધ્રુમીલ ઠાકોર અને જયમીન પ્રજાપતિ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ ત્રણ શખ્સો ભારત-પાકિસ્તાનની ટિકિટો પ્રિન્ટ કરાવવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ચારેય શખસ પાસેથી ભારત-પાકિસ્તાન મેચની કુલ ૧૫૦ ટિકિટ, ટિકિટ પ્રિન્ટ કરેલા ૨૫ પેજ, પેન ડ્રાઇવ, પ્રિન્ટર, પેપર કટર મળી કુલ ૧.૯૮ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.