દેશવાસીઓને મળી 10 નવી વંદે ભારત ટ્રેનની ભેટ, PM મોદીએ આપી લીલી ઝંડી
અમદાવાદથી મુંબઈ વચ્ચે વધુ એક વંદે ભારત ટ્રેનનો સમાવેશ

અમદાવાદઃ જનભાવનાઓને માન આપીને સરકાર વંદે ભારત ટ્રેનોના રૂટમાં સતત વધારો કરી રહી છે. આ ક્રમમાં દેશને આજે 10 નવી વંદે ભારત ટ્રેનોની ભેટ મળી છે. અમદાવાદથી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે 10 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદીએ ઓપરેશન કંટ્રોલ સેન્ટર ખાતેથી રેલ્વે વર્કશોપ, લોકો શેડ, પીટ લાઇન/કોચિંગ ડેપો અને ફલટન-બારામતી નવી લાઇન સહિત 85 હજાર કરોડ રૂપિયાના ખર્ચના લગભગ 6000 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ દરમિયાન રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર હતા.
વંદે ભારત ટ્રેનનું નેટવર્ક હવે દેશના 250 થી વધુ જિલ્લાઓ સુધી પહોંચી ગયું છે. આ નવી 10 વંદે ભારત ટ્રેન બાદ ભારતીય રેલવે પાસે 104 (52 જોડી) વંદે ભારત ટ્રેન થઇ ગઇ છે. 31 જાન્યુઆરી, 2024 સુધી દેશમાં 84 વંદે ભારત ટ્રેનો ચાલી રહી હતી. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને 256 જિલ્લાઓને આવરી લે છે. પીએમ મોદીએ મંગળવારે વર્તમાન ચાર વંદે ભારત ટ્રેનોના રૂટને લંબાવવાની પણ જાહેરાત કરી હતી.
આજની વંદે ભારત ટ્રેનોની સોગાત બાદ દિલ્હીથી ચાલતી વંદે ભારત ટ્રેનોની સંખ્યા સૌથી વધુ છે. આ ટ્રેનો દિલ્હીથી અંબ અંદૌરા, અમૃતસર, અયોધ્યા, ભોપાલ, દેહરાદૂન અને ખજુરાહો સાથે જોડાયેલી છે. આ સિવાય છ વંદે ભારત ટ્રેન મુંબઈથી અને છ ચેન્નાઈથી ચાલે છે. મૈસુરને પણ બીજી વંદે ભારત ટ્રેન મળી છે.
આ પ્રસંગે બોલતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, રેલવેનો વિકાસ એ અમારી સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. અમે 2014 પહેલા કરતા 10 વર્ષમાં સરેરાશ રેલ્વે બજેટમાં 6 ગણો વધારો કર્યો છે. હું દેશને ખાતરી આપું છું કે આગામી 5 વર્ષમાં તમે ભારતીય રેલ્વેમાં એવું પરિવર્તન જોવા મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. હું ખાસ કરીને મારા યુવા મિત્રોને કહેવા માંગુ છું કે આજનો ઉદ્ઘાટન તમારા વર્તમાન માટે છે અને આજે જે શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે તમારા ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી લઈને આવ્યો છે.
મોદીએ એમ પણ જણાવ્યું હતું કે 2014 પહેલા, દેશના 6 નોર્થ ઈસ્ટ રાજ્યોની રાજધાનીઓ રેલ્વે દ્વારા જોડાયેલી ન હતી. દેશમાં 10 હજારથી વધુ માનવરહિત રેલવે ફાટક હતા. ત્યાં વારંવાર અકસ્માતો થતા હતા. માત્ર 35% રેલ્વે લાઈનોનું વીજળીકરણ થયું હતું. કારણ કે રેલ્વે લાઇનને ડબલ કરવી એ અગાઉની સરકારોની પ્રાથમિકતા ન હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે.