ગુજરાતમાં હાલમાં કોરોનાના 66 એક્ટિવ કેસ, પોઝિટિવીટી રેટ 0.86 ટકા

ગાંધીનગરઃ દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટના દરદીઓની સંખ્યા વધી રહી છે અને તે સાથે આરોગ્ય ખાતું વ્યવસ્થાઓ પણ કરી રહ્યું છે ત્યારે ગુજરાતના આરોગ્ય પ્રધાન અને પ્રવક્તા પ્રધાન ઋષીકેશ પટલે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં JN.1 વેરિયન્ટના 36 કેસ નોંધાયા છે, જેમાંથી 22 દર્દીઓ સાજા થઇ ગયા અને 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે. 1 લી ડિસેમ્બર થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે અને પોઝીટીવીટી રેટ 0.86 % રહ્યો છે.
રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મીડિયાના માધ્યમથી પ્રજાજનોને જણાવ્યું છે કે કોરોનાના JN.1 વેરિયન્ટ થી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે. રાજ્યમાં કોરોનાની તા. 28 ડિસેમ્બરની પરિસ્થિતી સંદર્ભે માહિતી આપતા તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠા માં 1-1 કેસ એક્ટિવ છે. હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં નોંધાયેલ કોરોના કેસના જીનોમ સિકવન્સીગ ના રીપોર્ટ તા. 27 ડિસેમ્બરના રોજ મળ્યા હતા. જેમાં 36 કેસ JN.1 વેરિયન્ટના નોંધાયા છે. જે પૈકી 22 દર્દીઓ સાજા થઇ ગયા છે અને હાલ 14 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આમ JN.1 વેરિયન્ટના પોઝીટીવ દર્દીમાંથી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી. રાજ્યમાં 1 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર દરમિયાન કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે. કોરોનાનો પ્રવર્તમાન સરેરાશ પોઝીટીવીટી રેટ 0.86 ટકા છે. જેના પરથી તારણ કાઢી શકાય કે હાલ કોરોનાની ઘાતકતા ઘણી ઓછી છે પરંતુ લોકોએ અને ખાસ કરીને કોમોર્બિડિટી ઘરાવતા દર્દીઓએ સતર્કતા રાખવી જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે તેના કારણે જ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતા JN.1 વેરિયન્ટના કેસ વધુ છે તેમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.