ભારત વિશ્ર્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપઇકોસિસ્ટમ બન્યું છે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: વડા પ્રધાને ૨૦૧૬માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો અને આ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સફળતાને પગલે ભારત વડા પ્રધાનશ્રીના નેતૃત્વમાં વિશ્ર્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે એવું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
ગાંધીનગરમાં એકિઝબિશન સેન્ટર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૩નો પ્રારંભ કરાવતા મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, વડા પ્રધાનની દેશના યુવાઓના સામર્થ્યને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાની ગેરંટી છે. તેમણે નયા ભારતના નિર્માણ માટે જે યુવા કેન્દ્રી યોજનાઓ અને સફળ પ્રયાસો કર્યા છે તેમાં ગુજરાત અગ્રણી રહ્યું છે.
ભૂપેન્દ્ર પટેલે એવું પણ જણાવ્યું હતું કે, વડા પ્રધાને સ્ટાર્ટઅપ, સ્કિલ અને સ્પોર્ટ્સ એમ ‘થ્રી-એસ’ ના કોન્સેપ્ટથી યુવાશક્તિને ગ્લોબલ કોમ્પિટીશનમાં આગવી ઓળખ આપી છે. ગુજરાતે ૨૦૧૬માં સ્ટાર્ટઅપ પૉલિસી લાગુ કરી હતી. રૂ. ૫૦૦ કરોડના પ્રાવધાન સાથે રાજ્યના યુવાછાત્રોના નવા ચાર-ઇનોવેશનને ઇન્ડસ્ટ્રીમાં બદલવા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મિકેનિઝમ રાજ્ય સરકારે આપ્યું છે તથા સર્વગ્રાહી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ડેવલપ કરી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી એડિશન સેમિક્ધડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, ઇ-મોબિલિટી જેવા નવા ઉભરતા ક્ષેત્રોને ફોકસ કરીને ‘ગેટ વે ટૂ ધ ફ્યુચર’ ની થીમ સાથે જાન્યુઆરી-૨૦૨૪માં યોજાશે.
આ પ્રસંગે ગુજરાતના ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર, કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડના સચિવ રાજેશ કુમાર સિંઘે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.