અમદાવાદમાં ગુરુવારે પ્રથમ વન-ડે: ભારતીય મહિલા ટીમની વર્લ્ડ કપ માટેની તૈયારી શરૂ!
અમદાવાદ: હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય મહિલા ટીમ તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાંથી વહેલી આઉટ થઈ ગઈ, પરંતુ હવે તેઓ ગુરુવાર, 24મી ઑક્ટોબરથી (બપોરે 1.30 વાગ્યાથી) અમદાવાદમાં આવતા વર્ષના વન-ડે વર્લ્ડ કપ માટેની પૂર્વતૈયારીઓ શરૂ કરશે. ગુરુવારે અમદાવાદમાં ભારત અને ન્યૂ ઝીલૅન્ડની મહિલા ટીમ વચ્ચે ત્રણ મૅચની વન-ડે શ્રેણી શરૂ થઈ રહી છે.
આ પણ વાંચો : કિવી મહિલા ક્રિકેટરનાં એક હાથમાં વર્લ્ડ કપની ટ્રોફી અને બીજાં હાથમાં ચિલ્ડ બિયરનું કૅન…
સિરીઝની પહેલી મૅચ ગુરુવારે, બીજી મૅચ રવિવારે અને ત્રીજી મૅચ મંગળવારે અમદાવાદમાં જ રમાશે.
ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં ઘણી ખેલાડીઓ એવી છે જે તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બનેલી ટીમમાં સામેલ હતી.
વિશ્ર્વ કપમાંથી સેમિ ફાઇનલ પહેલાં જ એક્ઝિટ થઈ જવાને કારણે 35 વર્ષની હરમનપ્રીતની કૅપ્ટન્સીનું ભાવિ હાલકડોલક થવા લાગ્યું હતું. જોકે સિલેક્શન કમિટીએ હરમન પર વિશ્ર્વાસ જાળવી રાખ્યો છે. હા, હરમનની કૅપ્ટન્સીની સાથે તેની બૅટિંગની પણ કસોટી તો થશે જ.
વિકેટકીપર-બૅટર રિચા ઘોષ આ સિરીઝમાં નથી રમવાની, કારણકે તે 12મા ધોરણની બોર્ડની એક્ઝામ આપવાની છે.
વન-ડેમાં બન્ને દેશ વચ્ચે 54 મૅચ રમાઈ છે જેમાંથી 33 ન્યૂ ઝીલૅન્ડે અને 20 ભારતે જીતી છે. એક મૅચ ટાઇ થઈ છે.
આ પણ વાંચો : New Zealandની મહિલાઓ T20ની નવી વર્લ્ડ ચેમ્પિયન: કેપ્ટન ડિવાઈને જીત્યા પછી કેમ ખાસ ભારતનું નામ લીધું?
બન્ને દેશની ટીમ
ભારત: હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), શેફાલી વર્મા, ડી. હેમલતા, દીપ્તિ શર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), ઉમા ચેટ્રી (વિકેટકીપર), સાયલી સતગરે, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, તેજલ હસનબીસ, સાઇમા ઠાકોર, પ્રિયા મિશ્રા, રાધા યાદવ અને શ્રેયંકા પાટીલ.
ન્યૂ ઝીલૅન્ડ: સૉફી ડિવાઇન (કૅપ્ટન), સુઝી બેટ્સ, એડન કાર્સન, લૉરેન ડાઉન, ઇઝી ગેઝ (વિકેટકીપર), મૅડી ગ્રીન, બ્રૂક હૉલ્લિડે, પૉલી ઇંગ્લિસ (વિકેટકીપર), ફ્રાન જોનાસ, જેસ કેર, મેલી કેર, મૉલી પેન્ફૉલ્ડ, જ્યોર્જિયા પ્લિમર, હૅના રોવ અને લીઆ તાહુહુ.