સુરતમાં શ્વાનનો વધ્યો આતંકઃ વધુ એક બાળકીનો ભોગ લેવાયો
સુરત: સુરત સિવિલ હોસ્પિટલમાં નિયમિત રીતે આખા શહેરમાંથી કુતરાઓ દ્વારા લોકોને નુકસાન પહોંચાડવાના કિસ્સાઓ બને છે. ખાસ કરીને શહેરમાં કુતરાઓનો આતંક દિવસે દિવસે વધતો જાય છે. હોસ્પિટલના હડકવા વિરોધી વિભાગના જણાવ્યા અનુસાર દરરોજ 35થી 40 કુતરા કરડવાના કેસ નોંધાઈ રહ્યા છે.
તાજેતરમાં સુરતમાં એક 4 વર્ષની બાળકી નજીકના ખેતરોમાં ઢોરના શેડમાંથી શેરડી લેવા ગઈ ત્યારે દસેક જેટલા કુતરાઓએ અચાનક બાળકી પર હુમલો કર્યો હતો. તેના માતા-પિતા કામ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાળકીની શોધખોળ દરમિયાન તે બેભાન અવસ્થામાં મળી આવી હતી. બાળકી મળ્યા પછી બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં હોસ્પિટલના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.
અન્ય એક બનાવમાં 6 વર્ષનો પૃથ્વીરાજ પોતાના ડિંડોલી વિસ્તારના ઘર પાસે રમાઈ રહ્યો હતો. તેવામાં એકાએક બે શ્વાને આચાનક હુમલો કરીને તેને ઘાયલ કરી દીધો હતો. બાળકે બૂમાબૂમ કરતાં હાજર પડોશીઓએ તેનો જીવ બચાવ્યો હતો અને બાળકને સારવાર અર્થે તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.
ત્યારે મીડિયા સાથે વાત કરતાં હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે અહીં રોજના 35-40 જેટલા કુતરા કરડવાના કેસ નોંધાય છે અને જૂના ડોઝ લેવા માટે પણ 50-60 દર્દી હોસ્પિટલની મુલાકાત લે છે. સરકારી આંકડાઓ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે શહેરમાં કુતરાનો કેવો આતંક હશે.