આવકવેરા વિભાગનો સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી તરખાટ, વિવિધ સ્થળોએ દરોડા

અમદાવાદઃ મોદી સરકારના છેલ્લા બજેટમાં વેપારીઓ માટે કઈ જાહેરાત થાય તે પહેલા જ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં આવકવેરાએ તરખાટ મચાવ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ થયુ છે. મીડિયા અહેવાલો અનુસાર ગાંધીધામમાં શ્રીરામ સોલ્ટ અને કિરણ રોડલાઇન્સ પર દરોડા પડ્યા છે.
દરોડાની મળતી વિગતો અનુસાર કચ્છમાં મીઠાના વેપારીઓ સહિત 22થી વધુ સ્થળે દરોડા પડ્યા છે. તેમાં કરોડોનું ટર્નઓવર ધરાવતા મીઠાના વેપારીઓ સંકજામાં આવશે તેમ કહેવાઈ રહ્યું છે. બીજી બાજુ વેપારીઓ પણ ફફડાટ અનુભવી રહ્યા છે. કચ્છમાં મીઠાના અગર હોય મીઠાના વેપારીઓ ખૂબ જ મોટી સંખ્યામાં છે.
20થી વધારે ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા છે. સવારથી અધિકારીઓની ટીમ ગાંધીધામ પહોંચી છે. ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે 20 કરતા વધારે ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાંજ સુધીમાં કરોડોના શંકાસ્પદ વ્યવહારોની માહિતી બહાર આવે તેવી સંભાવના છે.