‘પોલીસ વિભાગમાં અડધી જગ્યાઓ પર જ ભરતી કેમ?.’ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકારી
અમદાવાદ: ગુજરાતના પોલીસ વિભાગ (Gujarat Police department)માં ભરતી બાબતે ગુજરાત હાઈ કોર્ટે (Gujarat High court) રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. રાજ્યમાં બેરોજગારી હોવા છતાં પોલીસ વિભાગમાં માત્ર અડધી જગ્યાઓ પર જ ભરતી કરવા બદલ કોર્ટે રાજ્ય સરકારને ઠપકો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે સરકારને પૂછ્યું છે કે બેરોજગારીના સમયગાળામાં પણ માત્ર અડધી જગ્યાઓ માટે જ કેમ ભરતી કરવામાં આવી રહી છે?
હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠે પૂછ્યું છે કે સરકારે આવું કેમ કર્યું? ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે 17 ઓગસ્ટ, 2023ના રોજ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે ડીજીપી રેન્કના અધિકારીની નિમણૂક પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ગુજરાત હાઈકોર્ટે કોન્સ્ટેબલ અને ઈન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓ ભરવામાં ગૃહ વિભાગની કડક શબ્દોમાં ટીકા કરી છે. હાઈકોર્ટે અગાઉ ભરતી માટે રજૂ કરાયેલા ડેટા અંગે ગૃહ વિભાગની અધૂરી એફિડેવિટને ફગાવી દીધી હતી. આ પછી સરકારના ખુલાસાને પણ ફગાવી દેવામાં આવ્યો હતો.
ગુરુવારે જ્યારે રાજ્ય સરકારે સોગંદનામું દાખલ કરવા માટે વધુ સમય માંગ્યો ત્યારે મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે બેરોજગારીના આ સમયમાં જ્યારે કોન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેક્ટરની આ જગ્યાઓ ખાલી છે, તો તમે માત્ર અડધી જગ્યાઓ પર જ ભરતી કેમ કરો છો? હાઈકોર્ટે આને સુપ્રીમ કોર્ટના આદેશનું ગેરકાયદેસર ઉલ્લંઘન ગણાવ્યું અને કન્ટેમ્પ્ટની નોટિસ ફટકારવાની ચેતવણી આપી હતી.
હાઈકોર્ટે કહ્યું કે 39,880 મંજૂર પોસ્ટ્સમાંથી 13,735 પોસ્ટ્સ ખાલી છે, પરંતુ સરકારે માત્ર 6,600 પોસ્ટ્સ ભરવાની વાત કરી છે, લગભગ 50% પોસ્ટ્સ ખાલી છે. બિન હથિયારી કોન્સ્ટેબલની 6,348 જગ્યાઓ ખાલી છે, 3,302 જગ્યાઓ ભરવાની બાકી છે. SRP કોન્સ્ટેબલની 4,200 જગ્યાઓમાંથી માત્ર 1,000 જગ્યાઓ પર નિમણૂક થવાની છે. PSI ની 1,606 ખાલી જગ્યાઓમાંથી સરકાર માત્ર 1,302 જગ્યાઓ જ ભરી રહી છે. તેની નોંધ લેતા હાઈકોર્ટે પૂછ્યું કે આવા નિર્ણય પાછળનું કારણ શું છે?