આપણું ગુજરાત

વાપીમાં બૅંકના આસિસ્ટન્ટ મેનેજરે જ એટીએમમાંથી ₹ ૧૫.૨૬ લાખની કરી ચોરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વલસાડના વાપી જીઆઈડીસીમાં આવેલા એક બૅન્કના આસિસ્ટન્ટ મેનેજર દ્વારા જ ફ્રોડ કરવામાં આવ્યો હતો. આસિસ્ટન્ટ મેનેજર દ્વારા એટીએમમાંથી પૈસા ભરવાના બહાને પોતાના જ અંગત કામ માટે વપરાશ કરતો હતો. દરમિયાન બૅન્ક મેનેજર દ્વારા તપાસ કરતા આસિસ્ટન્ટ મેનેજરનો ભાંડો ફૂટ્યો હતો. આ ઘટનાની પોલીસ ફરિયાદ થતા પોલીસે આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ વાપીમાં આવેલી એક બૅંકના આસિસ્ટન્ટ મેનેજર આલોકકુમાર દ્વારા આ ફ્રોડ કરવામાં આવ્યું છે. આસિસ્ટન્ટ મેનેજરની જવાબદારી એટીએમમાંથી રૂપિયા જમા કરવાની હતી. આ એટીએમનો પાસવર્ડ પણ માત્ર તેની પાસે હતો. તેમ છતાં તેણે કટકે કટકે રૂ. ૧૫ લાખથી વધુની રકમનું ફ્રોડ કર્યું હતું. શરૂઆતના સમયમાં બૅંક મેનેજરે ઈમાનદારીથી રૂપિયા એટીએમમાં જમા કરાવ્યા હતા, પરંતુ સમય જતા લાલચ આવતા આ આસિસ્ટન્ટ બૅંક મેનેજરે નાની નાની રકમ એટીએમના પાસવર્ડ વડે પોતે જ ઉપાડવાનું શરૂ કર્યું હતું. બૅંકમાં જ્યારે હિસાબમાં ગરબડ ચાલુ થઈ ત્યારે બૅંકના સત્તાધીશોને શંકા ગઈ હતી. બાદમાં એટીએમમાં રાખવામાં આવેલા સીસીટીવી કૅમેરાની તપાસ કરવામાં આવતા બૅંકના આસિસ્ટન્ટ મેનેજરની ચોરી ઝડપાઈ ગઈ હતી. તેની પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

બેંકના મેનેજરે વાપી જીઆઈડીસી પોલીસ મથકે આસિસ્ટન્ટ બૅન્ક મેનેજર વિરુદ્ધ ૧૫.૨૬ લાખની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button