વડોદરામાં માથાભારે તત્ત્વોનો વેપારી પર લાકડીઓથી હુમલો
અમદાવાદ: વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી શ્રીજી માર્કેટમાં માથાભારે તત્ત્વોએ વેપારી પર લાકડીઓથી હુમલો કરી ભયનો માહોલ સર્જતા પોલીસે રાયટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ગોત્રીની સરસ્વતી સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ ચૌધરીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે સાંજે હું દુકાને પહોંચ્યો ત્યારે મારો ભાઈ ગણેશ કામ માટે નજીકની બીજી દુકાનમાં ગયો હતો. આ દરમિયાન પાંચેક લોકો લાકડીઓ લઈ ધસી આવ્યા હતા અને મારી બાજુની દુકાનના શટર પર લાકડીઓ પછાડી તારો ભાઈ ક્યાં છે બોલાવ તેમ કહી મારા ઉપર લાકડીઓ અને પથ્થર વડે હુમલો કર્યો હતો.
મેં બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મને વધુ મારમાંથી બચાવ્યો હતો. ત્યારબાદ મારો ભાઈ આવી જતા હુમલાખોરો ધમકી આપી ભાગી છૂટ્યા હતા. આ બનાવનું કારણ એવું હતું કે અમારી દુકાન પાછળ કેટલાક લોકો ગાળા ગાળી કરતા હોવાથી એક દુકાનદારે તેમને ઠપકો આપ્યો હતો જેથી ઝઘડો થતા મારો ભાઈ વચ્ચે છોડાવવા પડ્યો હતો અને તેની અદાવત રાખી હુમલો કર્યો હતો.