વડોદરામાં ચાર દિવસમાં નિયમો તોડનારા ૧૧૩૨ વાહનચાલક દંડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરા શહેરમાં રોંગ સાઈડ અને વાહન હંકારતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારા સામે શહેર ટ્રાફિક શાખા દ્વારા છેલ્લા ચાર દિવસથી હાથ ધરવામાં આવેલી સઘન ઝુંબેશ સોમવારે પણ યથાવત્ રહી હતી જેમાં શહેરના ૧૦ પોઈન્ટ ઉપરથી વધુ ૧૧૩૨ વાહનચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ઝડપાતા તેમની પાસેથી ૧.૦૬ લાખનો દંડ ફટકારવાની સાથે કેટલાક વાહન ચાલકોને ઈ-મેમો પણ જનરેટ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં જે સ્થળે સીસીટીવી કૅમેરા લાગેલા નથી, તેવા ૧૦ સ્થળે પણ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના સોમા તળાવ ચાર રસ્તા, એલએન્ડટી સર્કલ, ગાંધીનગર ગૃહ, સુશેન સર્કલ, સરદાર એસ્ટેટ ચાર રસ્તા, ગેંડા સર્કલ, ફતેગંજ સર્કલ, ચકલી સર્કલ, નટુભાઈ સર્કલ અને અક્ષરચોક સર્કલ નજીક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૪૬૦૦ જેટલા વાહનચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પોલીસ હાથે ઝડપાઈ ગયા હતા.
પોલીસે તમામ સ્થળેથી વાહનચાલકો રોંગ સાઈડ આવતા અને ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાતાં તેમની પાસેથી ૧.૦૬ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તેમ જ અન્ય વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં વધુ ૫૫૭ વાહન ચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ઝડપાઈ જતાં એક જ દિવસમાં ૧૧૩૨ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉ