રાજ્યમાં છેલ્લા ૪૮ કલાકમાં ૯ લોકોનાં હાર્ટએટેકથી મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૪૮ કલાકમાં નવ લોકોના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યાં હતાં. ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ
ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર લોકો હાર્ટ એટેક આવવાથી મોતને ભેટ્યાં હતાં. જેમાં રાજકોટમાં બે, અમદાવાદમાં એક અને વડોદરામાં એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. અમદાવાદમાં બુકબાઈડિંગ માટે આવેલા હસમુખ પંચાલ(ઉ.વ.૪૦) નામના વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવતાં નીચે ઢળી પડ્યા હતા. આસપાસ રહેલા લોકો દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
જયારે રાજકોટના થોરાળાના ગોકુલપરામાં રહેતા ગુણવંત ચાવડા(ઉ.વ.૩૮) નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. જ્યારે ગોવિંદનગરમાં રહેતા પરસોત્તમ જાદવ (ઉ.વ.૫૩)નું પણ હાર્ટ એટેકને કારણે મોત થયુ હતું. જ્યારે વડોદરામાં ખાનગી કંપનીમાં નોકરી કરતા ભરત સુથારને દુ:ખાવો થતાં તેઓએ તેમના પત્નીને જાણ કરી હતી. જે બાદ તેઓએ દુ:ખાવાની દવા લીધી હતી. ત્યાર બાદ તેઓ નોકરીએ ગયા હતા. નોકરી દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ સહકર્મીઓ તેમને લઈને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ભાવનગરમાં રત્નાબેન વાઘેલા (ઉ.વ.૨૬) નામના પરિણીત મહિલાનું વરતેજ નજીક પોતાની વાડીએ અચાનક બેભાન થઈ જતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. તેમજ હનીફ ભાઈ કુરેશી (ઉ. વ. ૫૦)ને હાર્ટ અટેકનો હુમલો આવતા મોત થયું હતું. જ્યારે શિવજીભાઈ વાજા (ઉં. વ. ૫૨) નામના વ્યક્તિને અચાનક જ હાર્ટ અટેકનો હુમલો આવતા મોત થયું હતું. જ્યારે ગભાભાઈ વડલીયા (ઉં. વ. ૬૫) નામના આધેડનું ભાવનગરના સનેસ ગામે અચાનક જ છાતીમાં દુખાવો થતા હાર્ટ અટેકના કારણે અવસાન થયું હતું. ભાવનગર શહેરના પીછાલા વિસ્તારમાં રહેતા હિતેશભાઈ તુવેર (ઉં.વ. ૪૫ )નામના યુવાન ઘરે સૂઈ રહ્યા હતા એ દરમિયાન હાર્ટ બેસી જતા મોત થયું હતું. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.