ગુજરાતની સ્કૂલોમાં છેલ્લાં ૧૩ વર્ષમાં ૭૪ હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી
અમદાવાદ: ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં છેલ્લા ૧૩ વર્ષમાં ૭૪ હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, એવું વિધાનસભા ગૃહમાં શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું. રાજયમાં ૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારો કેટલા છે અને ભરતી કરવામાં આવેલા ઉમેદવારોની સંખ્યા કેટલી છે તેવો પ્રશ્ર્ન પુછાયો હતો. જેના જવાબમાં શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર દ્વારા આંકડાકીય વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે, સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધો. ૧થી ૫મા ૭૮૮૯ અને ધો.૬થી ૮મા ૫૦,૯૧૨ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૧૫,૨૨૯ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ૧૨૭૧૦ ભરતી કરવામાં આવી છે. ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની સંખ્યાનો કુલ આંકડો ૩.૯૪ લાખ કરતાં વધી જાય છે. આ સંખ્યામાં એક ઉમેદવારની એક કરતાં વધારે વખત ગણતરી થાય છે. દર વર્ષે જૂના ઉમેદવારો રિપિટ થતાં હોવાથી સંખ્યા મોટી દેખાતી હોય છે. જેના અનુસંધાનમાં શિક્ષણમંત્રી દ્વારા છેલ્લા ૧૩ વર્ષના એટલે કે જ્યારથી ટેટ અને ટાટ પરીક્ષા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી અત્યાર સુધી થયેલી ભરતીની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. જે પ્રમાણે છેલ્લા ૧૩ વર્ષમાં ધો.૧થી ૧૨ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતીનો આંકડો ૭૪૦૩૦ થાય છે. જેની સામે પ્રાથમિક શાળામાં ૨૬૦૦ની જગ્યાની ભરતીની મંજૂરી આપવામાં આવી છે.