ગુજરાત યુનિવર્સિટીમાં નવા સત્તામંડળની પ્રથમ બેઠકમાં ત્રણ પ્રોફેસરને સસ્પેન્ડ કરાયા
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ કરાયા બાદ નવા સત્તામંડળોની પ્રથમ બેઠક મળી હતી. જેમાં સમાજવિદ્યા ભવનના પ્રોફેસર મુકેશ ખટ્ટીકને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. ખટ્ટીક સામે મહિલા પ્રોફેસરે માનસિક ત્રાસ સહિતની જુદી-જુદી ફરિયાદો કરી હતી. રાજકીય વગ ધરાવતા પ્રોફેસર સામે લાંબો સમય સુધી કોઇ કાર્યવાહી ન થતાં વુમન ડેવલપમેન્ટ સેલને તપાસ સોંપાઈ હતી. વુમન સેલ દ્વારા મહિલા પ્રોફેસરે કરેલા આક્ષેપોની તપાસ કર્યા બાદ અહેવાલ કુલપતિને સુપરત કર્યો હતો. એક્ઝિક્યુટીવ કાઉન્સિલની બેઠકમાં આ અહેવાલને રજૂ કરાયો હતો, જેમાં રાજયશાસ્ત્રના પ્રોફેસર મુકેશ ખટ્ટીક સામે કરેલા આક્ષેપો સાચા હોવાનું પ્રસ્થાપિત થતાં તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ જ રીતે એનિમેશન ડિપાર્ટમેન્ટમાં નાણાંકીય ગેરરીતિના આક્ષેપો થયા બાદ આ વિભાગની જવાબદારી સંભાળતાં પ્રોફેસર કેવલજીત લખતરિયાતા સામે પણ નિવૃત્ત ન્યાયાધીશની તપાસ કરવાનું નક્કી કરાયું હતું. આ ઉપરાંત યુનિવર્સિટીમાં સ્વનિર્ભર કોર્સમાં સરકારી ધોરણે ભરતીની ફરિયાદ જે પ્રોફેસરો સામે હતી તે પૈકી એમએસડબલ્યુ વિભાગના પ્રોફ્સર વિપુલ પટેલ અને ભારતીય સંસ્કૃતિ વિભાગના પ્રોફેસર વનરાજસિંહ ચાવડા, એમ, બન્નેને પણ સસ્પેન્ડ કરવાનો નિર્ણય બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કરાયો હતો.