રાજ્યમાં આગામી દિવસોમાં વધુ ૫૦૦ બસ મુસાફરોની સુવિધામાં રસ્તા પર દોડશે
સુરતમાં ૧૦૦ નવી બસનું કર્યું લોકાર્પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં વાહનવ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે ૧૦૦ નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્લિપિંગ, સ્લીપર કોચ અને ડીલક્ષ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં વાહનવ્યવહાર પ્રધાન હર્ષ સંઘવી અને પ્રધાન મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ૧૩થી ૧૪ મહિનામાં ૧૬૨૦ બસ રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઇ છે. ૨૭ લાખ મુસાફરો પ્રતિદિન એસ.ટી બસમાં મુસાફરી કરે છે. આવનારા ૧૨ મહિનામાં ૩૦ લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે. સામાન્ય નાગરિકોને આ સુવિધાથી પોતાના વાહનોમાં મુસાફરી કરી શકશે. આગામી દિવસોમાં વધુ ૫૦૦ બસ મુસાફરોની સુવિધામાં રસ્તા પર દોડશે. વડોદરા સહિતના ડેપોની બસને લોકાર્પણ માટે સુરત લાવવામાં આવી હતી. માત્ર લીલીઝંડી બતાવીને ખાલી લાવવામાં આવેલી બસ ટ્રાફિક કરતી કરતી ફરી પોતાના ડેપોમાં ખાલી ગઈ હતી.