સુરેન્દ્રનગરમાં દિયર-ભાભીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
અમદાવાદ: સુરેન્દ્રનગરમાં પાટડીના ખારાઘોડા નજીક નવાગામના દિયર-ભાભીના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં યુવકના અગાઉ લગ્ન થયા હતા, પરંતુ છૂટાછેડા થતાં મોટાભાઇની પત્ની અને બે સંતાનોની માતા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જે બાદ બંને ભાગી ગયા હતા અને દોઢ મહિના બાદ પ્રેમી યુગલે સાથે આપઘાત કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સાયલાના ચોરવીરા ગામની સીમમાં યુવક અને યુવતીની ગળેફાંસો ખાઈને લાશ લટકતી હોવાની જાણ થતા પોલીસ ચોરવીરા ગામની સીમમાં પહોચી હતી. યુવક અને યુવતીને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવામાં આવતા આ બંનેની લાશને નીચે ઉતારી હતી. પોલીસે પૂછપરછ કરતા કોઈ ભાળ મળી ન હતી. પોલીસને તેમની તલાસી લેતા તેમની પાસેથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જે બાદ તપાસ કરતા સંગીતા અને વિષ્ણુ ડોડીવાડિયા હોવાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ કરતા પાટડીના ખારાઘોડા ગામ નજીકના નવાગામના હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે લાશની ઓળખ માટે તેના પરિવારજનોને જાણ કરતા મૃતકના પિતા કાળુ અને મોટાભાઈ રાજુ સાયલાના સરકારી દવાખાને દોડી આવ્યા હતા. આ બાબતે પિતાએ પોતાનો દીકરો વિષ્ણુ હોવાનું અને બીજા મૃતકના ભાભી હોવાનું પોલીસને જણાવ્યું હતું. બંને વચ્ચે પ્રેમસંબંધને કારણે બંને દોઢ મહિના પહેલા ઘરેથી નાસી છૂટ્યા હતા.