કચ્છમાં ગરમીનો પારો નીચો આવવા લાગતા ઘરફોડી-ચોરીના બનાવો વધવા લાગ્યા | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

કચ્છમાં ગરમીનો પારો નીચો આવવા લાગતા ઘરફોડી-ચોરીના બનાવો વધવા લાગ્યા

વધુ બે બનાવમાં ₹ ત્રણ લાખની માલમતા ચોરાઇ

ભુજ: કચ્છમાં રાતનું તાપમાન નીચું આવવાની શરૂઆત થવાની સાથે જ ઘરફોડી અને ચોરીના બનાવો વધવા માંડ્યા છે. બે દિવસ અગાઉ જ બે ચોરીની ઘટનાની શાહી હજુ સુકાણી નથી ત્યાં વધુ બે ચોરીના બનાવમાં આશરે ત્રણ લાખની માલમતા ચોરાણી હોવાની ફરિયાદો થઇ છે. પૂર્વ કચ્છના અંજાર તાલુકાના મેઘપર કુંભારડી વિસ્તારમાં રહેતાં અને નવરાત્રી પર્વ મનાવવા સુરત ગયેલા પરિવારના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો રૂપિયા ૧,૯૦,૯૫૦ની માલમતા સાફ કરી ગયા છે. રામ પ્રસાદ રાવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત ૨૦ ઑક્ટોબરના રોજ તેઓ તેમના પરિવાર સાથે સાસરિયામાં શારદીય નવરાત્રી પર્વ મનાવવા ઘરના મુખ્ય સેન્ટ્રલ લોકની ચાવી પાડોશીને આપી સુરત ગયા હતા. પરિવાર ઘરે આવ્યો ત્યારે વેરવિખેર સમાન વચ્ચે હોલની બારીની જાળી કાપેલી જોવામાં આવી હતી. દિવાન ખંડમાં લાગેલું એલઇડી ટી.વી ગૂમ હતું તેમ જ તિજોરીમાં રાખવામાં આવેલું સોનાનું મંગળસૂત્ર, ચેન, કાનમાં પહેરવાની બુટી, કાનમાં પહેરવાના ઝુમકા, જૂના ચાંદીના સાકળા, જૂના ચાંદીનો કમરમાં પહેરવાનો કંદોરો, જૂના ચાંદીનો હાથમાં પહેરવાનો પંજો તેમ જ જૂની સોનાની બૂટી તથા નાકમાં પહેરવાની નથણી ઉપરાંત જૂની તૂટેલી ચાંદીની પાયલ(સાકળા) ચોરાઈ ગયા હોવાનો ખ્યાલ આવતાં દાગીના અને રૂ. ૧૦,૦૦૦ના ટી.વી સહિત બંધ ઘરમાંથી કુલ ૧,૯૦,૯૫૦નો મુદ્દામાલ કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ગયા હોવાની ભોગ બનનારે ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાવી છે. બીજી તરફ, બંદરીય માંડવી તાલુકાના શિરવા ખાતેના રહેણાક મકાનમાંથી ૯૩ હજારની કિંમતના આભૂષણોની ચોરી થઇ હતી. માંડવીના પોલીસ મથકમાં ફાતમાબેન ઓસમાણ ઉમર શીરુએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ બહાર ગયા હતા. કોઈ અજાણ્યા તસ્કરે તાળા સહિત નકૂચાને તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટની તિજોરીમાંથી ૩૫ હજારના સોનાના પાટલા, ૪૦ હજારના સોનાના સેટ, ૧૫ હજારના મૂલ્યની સોનાની વીંટી અને રૂપિયા ૩ હજારની કિંમતની ચાંદીના બે જોડી પટ્ટા સહીત કુલ રૂપિયા ૯૩ હજારનો મુદ્દામાલ ચોરી ગયો હતો. માંડવી પોલીસે ગુનો દાખલ કરી, વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો

Back to top button