ભારત-પાક મેચમાં અમદાવાદીઓએ શોધ્યો કમાણીનો અવસર, દર્શકોના બેગ-પાકિટ સાચવવાના 50-100 રૂપિયા લઇ રોકડી કરી લીધી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઇવોલ્ટેજ મેચમાં ત્યાં રહેતા સ્થાનિકો તેમજ દુકાન ધરાવતા લોકોએ કમાણીનો અનોખી તક શોધી કાઢી છે. મેચ દરમિયાન પ્રેક્ષકોની પાવરબેંક, ચાર્જર સહિતની કેટલીક ચીજવસ્તુઓ સાચવવા માટે તેમજ જે લોકોના ઘર તથા ફ્લેટમાં પાર્કિંગની સુવિધાઓ હોય તેમની જગ્યાઓ પર વાહનો પાર્ક કરવા માટે લોકો ચાર્જ વસૂલવા લાગ્યા છે.
સામાન્યપણે મેચ જોવા માટે દેશ-વિદેશ અને અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે અને તેમની સાથે બેગ સહિત અન્ય ચીજવસ્તુઓ હોય છે. નમો સ્ટેડિયમમાં ફક્ત મોબાઇલ અને પર્સ લઇ જવાની પરવાનગી છે એ સિવાયની કોઇપણ વસ્તુઓ લઈ જવાની મનાઈ છે ત્યારે સ્ટેડિયમની બહાર આવેલી દુકાનો અને ઘરોમાં બેગ મૂકવા માટે રૂ. 100નો ચાર્જ લઈને સ્થાનિકો કમાણી કરી લે છે.
પ્રેક્ષકોની બેગ સાચવતા સ્થાનિક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અનેક લોકો બેગ, ચાર્જર અને હેન્ડ્સ ફ્રી વગેરે ચીજવસ્તુઓ લઈને આવતા હોય છે. પરંતુ સ્ટેડિયમમાં આ વસ્તુઓ લઈ જવા ઉપર પ્રતિબંધ હોય છે. જેના કારણે તેમની ચીજવસ્તુઓ સાચવવા માટે અમે ચાર્જ લઈએ છીએ. સ્ટેડિયમમાં જતાં પહેલાં લોકો પોતાની બેગ મૂકી જતા હોય છે. પરંતુ બેગ સહિતની ચીજવસ્તુઓ તેમના જોખમે મૂકવાની હોય છે. બેગ જ્યારે મૂકી જાય અને જ્યારે લઈને પરત જાય ત્યારે તેઓ ચેક કરી લે છી જ બેગ આપીએ છીએ.
આમ પ્રેક્ષકો પોતાના જોખમે આ બેગ સહિતની ચીજવસ્તુઓ મૂકીને જતા હોય છે. આવા 20થી 25 જેટલા લોકો ઓછામાં ઓછા મેચ વખતે આવતા જ હોય છે. જેથી તેનો ચાર્જ લઈ અંદાજે 2,000થી 5,000 જેટલી કમાણી એક વ્યક્તિ કરી લે છે.