ગુજરાતમાં ગરીબોની કસ્તુરીએ જગતના તાતને રડાવ્યા: ભાવમાં ૫૦ ટકાનો ઘટાડો
અમદાવાદ: રાજકોટ સહિત રાજ્યનાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે. જેના પગલે રાજ્યના માર્કેટ યાર્ડોમાં ડુંગળીનો ભાવ પચ્ચાસ ટકા ઓછા થઈ જતા જગતના તાતને રડાવ્યા છે. બીજી બાજુ, કેન્દ્ર સરકાર દ્વારા અચાનક ડુંગળીની નિકાસ બંધ કરી દેતા વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે અને તેમને પણ લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્યના માર્કેટ યાર્ડોમાં ડુંગળી વેપારીઓએ ૫૦૦થી ૬૦૦ રૂપિયામાં ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદી કરી હતી. પરતું કેન્દ્ર દ્વારા અચાનક ડુંગળીની નિકાસ બંધ કરતાં હાલ ડુંગળીના ભાવ ૩૫૦થી ૩૦૦ રૂપિયા થઈ જવાના કારણે ખેડૂતો સાથે વેપારીને પણ મોટા પ્રમાણ નુકસાન જવાની ભીતિ જોવા મળી રહી છે. હાલ રાજકોટ સહિત રાજ્યભરનાં માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવશે. બીજી બાજુ ખેડૂતો પોતાની ડુંગળી વેચવા માટે તૈયાર નથી. એક સાથે જ મોટા પ્રમાણમાં ભાવ ઘટાડો થતાં કોઈપણ ખેડૂતો ડુંગળી વેચવા માટે પણ તૈયાર થતું નથી.