ગુજરાતમાં કોંગ્રેસે આ 7 સીટના ઉમેદવારો કર્યા ફાઈનલ? પ્રચાર અભિયાન શરૂ કરવાની આપી સૂચના
ગાંધીનગર: લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાત કોંગ્રેસને ઉમેદવારો મળી રહ્યા નથી. ગુજરાતમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓએ વિવિધ બહાના બતાવીને ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. જો કે હવે કોંગ્રેસે ગુજરાતમાં વધુ સાત બેઠકોના ઉમેદવારોના નામ નક્કી કરી લીધા હોવાની બાબત સામે આવી છે.
કોંગ્રેસ હાઈ કમાન્ડે સ્થાનિક વર્ચસ્વ ધરાવતા અને ભાજપને ટક્કર આપી શકે તેવા નેતાઓને ચૂંટણીમાં ઉભા રાખવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ આ આશાસ્પદ ઉમેદવારોને પ્રચાર અભિયાન શરૂ કરવાનું પણ કહીં દીધું છે.
કોંગ્રેસે ગુજરાતની જ લોકસભા સીટો અને તેના ઉમેદવારો નક્કી કરી દીધા છે, જેમ કે છોટાઉદેપુર સીટ માટે સુખરામ રાઠવા, એ જ પ્રકારે સાબરકાંઠા- તુષાર ચૌધરી, દાહોદ- પ્રભાબેન તાવિયાડ, આણંદ- અમિત ચાવડા, ખેડા- કાળુસિંહ ડાભી-પાટણ લોકસભા સીટ માટે ચંદનજી ઠાકોર અને પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણના નામ પર કોંગ્રેસે મહોર મારી દીધી છે.
આ અગાઉ ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તામ (ઉમેદવારી પાછી ખેંચી), બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, પોરબંદરથી લલિત વસોયા, કચ્છથી-નિતેષ લાલણના નામનો સમાવેશ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે માત્ર 7 ઉમેદવાર જાહેર કર્યા છે તેમ જ આમ આદમી પાર્ટીએ બે ઉમેદવાર જાહેર કર્યા છે. આજે કોંગ્રેસ ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી શકે છે. ત્યારે ગુજરાતની 7 બેઠક પર કોંગ્રેસના 7 ઉમેદવાર નક્કી હોય એવું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.