આપણું ગુજરાત

ગુજરાતમાં ઉજાગરા- થાકના કારણે શરદી-ઉધરસ, વાઈરલ ચેપના કેસ વધ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં નવલી નવરાત્રિ અને દશેરા પર્વનું સમાપન થઈ ગયું છે. રાજ્યમાં સળંગ દસ દિવસ મોડી રાતના ઉજાગરા, અપૂરતી ઊંઘ, મોડી રાતે કરેલા બહારના તેલ-મરચાંવાળા નાસ્તા, ઠંડા પીણાં અને વહેલી સવાર સુધી ગરબા રમવાના કારણે લાગેલા ભયાનક થાકથી લોકો ગળામાં દુખાવો, શરદી, તાવ, ખાંસી અને વાઈરલ ઈન્ફેકશનનો શિકાર બની રહ્યા છે. રાજ્યના ખાનગી અને સરકારી દવાખાનામાં દર્દીની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઘેરથી જ નાના મોટા ઘરગથ્થુ ઉપચાર અને ઘેર બેઠા જાતે લીધેલી મેડિસિનથી પણ તબિયતના સુધારામાં ફરક નહીં પડતાં છેવટે લોકો ડોકટર પાસે સારવાર લેવા જાય છે.રાજ્યમાં નવરાત્રિ બાદ બીમારીએ માઝા મુકી છે રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, મહેસાણા, પાટણ સહિતના જિલ્લા અને શહેરોમાં વાઈરલ ઈન્ફેકશન જ નહિ પરંતુ શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોએ ભરડો લીધો છે. રાજ્યમાં હાલની બીમારીની પાછળ અત્યારનું વાતાવરણ છે. લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં રાતનું તાપમાન રર ડિગ્રી આસપાસ સુધી પહોંચી જતાં મોડી રાતના સમયે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. જયારે વહેલી સવારે ઝાકળ પણ પડી રહ્યું છે. દિવસે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે દિવસે લોકો ઠંડું પાણી અને ઠંડા પીણાં પીએ છે સાથે થાક અને બહારની ખાણી પીણીના કારણે પેટના રોગોથી પણ પીડાય છે. મોટાભાગના લોકો હાલમાં ફૂડ ઈન્ફેકશનથી પીડાઈ રહ્યાં છે. ગમે તેવું પાણી પીવાનાં કારણે તેમ જ બહારના વાસી ફૂડ ખાવાના કારણે લોકો પેટના રોગનો શિકાર બની રહ્યા છે. ડોકટરના મતે દર વર્ષે નવરાત્રિના દિવસો પૂરા થતાં જ દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવે છે. દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં હજુ દશ દિવસ જેટલો સમય લાગશે પરંતુ વાઈરલ ઈન્ફેકશનના કેસ લાંબા સમય ચાલશે. કારણ કે બેવડી ઋતુનો સમયગાળો હજુ લાંબો ચાલશે. જેના કારણે શરદી, ખાંસી, તાવ, ઈન્ફેકશનના કેસમાં હાલ પૂરતો ઘટાડો
થશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button