ગુજરાતની 70થી વધુ પાલિકાનું 500 કરોડથી વધુ વીજબિલ બાકી

ગાંધીનગરઃ શહેરી સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલી પાંખ, જન પ્રતિનિધિઓ તેનો વહીવટ કરવા કઈ હદે નિષ્ફળ ગયા છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. પાલિકાઓમાં વોટવ વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટનું બિલ ભરપાઇ ન થતાં આણંદ જિલ્લાની બોરસદ નગરપાલિકાનું વીજ કનેકશન કાપી નાંખવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં આવી જ સ્થિતિ અન્ય પાલિકામાં ઉદ્ભવે તો નવાઇ નહીં. રાજ્યમાં 70થી વધારે પાલિકાઓનું બાકી વીજબિલ 500 કરોડને પાર થઈ ગયું છે.
શહેરી વિકાસ વિભાગના આંતરિક અહેવાલ અનુસાર, સૌરાષ્ટ્રની મોટાભાગની નગરપાલિકા વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટના વીજબિલ ભરી રહી નથી. પશ્ચિમ ગુજરાત વીજ વિતરણ કંપની એ માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છની પાલિકાઓ પાસેથી 323 કરોડથી વધુની રકમ વીજબિલ પેટે બાકી હોવાનું જણાવ્યું છે. નગરપાલિકાઓમાં સોલાર લાઇટના કારણે સ્ટ્રીટ લાઇટનું બિલ ઘટ્યું છે. પરંતુ તેમ છતાં કરોડો રૂપિયાનું વીજબિલ બાકી છે.
Also read: સમૃદ્ધ ગુજરાત સરકારનો આવો કારભાર? હજારો કર્મચારીઓની દિવાળી પગાર વિના જ ગઈ
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડએ રૂ. 90 કરોડની સહાય કર્યા પથી પણ 70થી વધુ પાલિકાઓનું 509.27 કરોડનું વીજબિલ ભરવા સરકારે બજેટમાં જોગવાઈ કરવી પડે તેવી સ્થિતિ છે. જે તે પાલિકામાં સમયસર વીજબિલ નહી ભરવામાં આવે તો તેમની સ્થિતિ પણ બોરસદ જેવી થવાની શક્યતા છે.
કઈ કંપનીનું કેટલુ બીલ બાકી
ડીજીવીસીએલ, દક્ષિણ ગુજરાત – 11.62 કરોડ
એમજીવીસીએલ, મધ્ય ગુજરાત – 105.44 કરોડ
પીજીવીસીએલ, કચ્છ-સૌરાષ્ટ્ર – 323.03 કરોડ
યુજીવીસીએલ, ઉત્તર ગુજરાત – 69.18 કરોડ