આપણું ગુજરાત

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાના ચાર દિવસમાં ૨૦ લાખ ભક્તોએ માતાજીનાં કર્યા દર્શન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળાનો બુધવારે પાંચમો દિવસ છે. મેળાના ચોથા દિવસે સાત લાખથી વધુ માઈભક્તોએ આરાસૂરી અંબાનાં દર્શન કર્યાં છે આમ ચાર દિવસમાં મા અંબાના ૨૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં છે, જ્યારે મંદિરના શિખર પર ૫૫૧ ધજાઓ ચઢી હતી. ચાર દિવસમાં અંબાજી મંદિરને ૧.૧૨ કરોડની દાન ભેટમાં મળી હતી. મંદિર ટ્રસ્ટને ૧૬ ગ્રામ સોનું દાનમાં મળ્યું છે.

આવતીકાલે ભાદરવી પૂનમ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડશે. ચાર દિવસમાં મોહનથાળ પ્રસાદના ૩૧ લાખથી વધુ પેકેટ વેચાયા હતા. ફરાળી ચીકીના નવ હજાર જેટલા પેકેટનું વિતરણ થયું હતું. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈ મોટું માનવ મહેરામણ ઊમટી રહ્યું છે. છેલ્લા ચાર દિવસોમાં ૨૦.૩૪ લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે દર્શનનો લાભ લઇ ચૂક્યા છે.

રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને પદયાત્રી સંઘોથી અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ ધસમસતું જોવા મળી રહ્યું છે. ને અંબાજીથી દાંતા ૨૦ કિલોમીટર લાંબી માનવ સાંકળ દર્શનાર્થીઓની જોવા મળી રહી છે. લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પોતાની બાધા આંખડી પૂરી કરવા અંબાજી જતા જઇ રહ્યાં છે. બીજી બાજુ રસ્તા પર કેટલાક ભક્તો માથે ગરબી લઈને તેમ જ દંડવત કરતા અંબાજી મંદિરે પહોંચી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button