ભાજપમાં હવે ખજૂરિયા-હજૂરિયા-મજૂરિયા નહીં પણ કૉંગ્રેસિયાં-આયાતી મજૂરિયાની બોલબાલા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:ગુજરાતમાં ૧૯૯૫માં સત્તારૂઢ થયેલી ભારતીય જનતા પાર્ટીમાં એક વર્ષની અંદર જ શંકરસિંહ વાઘેલાએ બળવો કરીને સર્જેલા ખજૂરાહો કાંડ બાદ અટલ બિહારી વાજપેઇની મધ્યસ્થીથી ઘર વાપસીના ટૂંકા ગાળા ભાજપમાં ચર્ચાસ્પદ બનેલા ખજૂરિયા-હજૂરિયા અને મજૂરિયાંના સ્લોગન બાદ હવે ભાજપમાં કૉંગ્રેસ નેતાઓ અને કાર્યકરો ની થઇ રહેલી ભરતીને પગલે નવું સ્લોગન કૉંગ્રેસીયાં-આયાતી-મજૂરિયાં .. વહેતું થયું છે.
ગુજરાતમાં રાજ્યસભાની હોય કે લોકસભાની ચૂંટણી ભાજપને પોતાના નેતાઓ પર ભરોસો ના હોય તેમ વિરોધપક્ષમાંથી નેતાઓને તોડીને ભાજપમાં સામેલ કરવાની પરંપરા ૨૦૦૨થી ચાલુ થઈ હતી. ગુજરાત ભાજપમાં એ સ્થિતિ છે કે મૂળ ભાજપી કે જનસંધી છે કે કૉંગ્રેસી કૂળના એ ભેદભાવ હવે નજીવો રહ્યો છે કારણ કે ભાજપ બે દાયકાથી ઓપરેશન લોટસના નામે કૉંગ્રેસના કદાવર નેતાઓને ખેંચી લાવે છે. ગુજરાત ભાજપે ક્યારેય કૉંગ્રેસને મજબૂત થવા જ દીધી નથી. ભાજપે શામ દામ દંડ અને ભેદ અપનાવીને કૉંગ્રેસના મૂળિયા કાપ્યા છે. ગુજરાતમાં કૉંગ્રેસ મુક્ત ભાજપ કૉંગ્રેસ યુક્ત બની ગઈ છે. રાજયની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પણ નવ કેબિનેટ પ્રધાનોમાં ત્રણ કેબિનેટ પ્રધાન કૂળ કોંગ્રેસ છે.
કૉંગ્રેસનાં સગઠનમાં ૩૭ વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહે પણ કૉંગ્રેસ સાથે છેડો ફાડી તેઓ ભાજપમાં જોડાયા હતા. જે હવે ફક્ત ભાજપના ગુણગાન ગાઈ રહ્યાં છે અને કૉંગ્રેસીઓ પર પ્રહાર કરી રહ્યાં છે. એમના ખેરાલું વિધાનસભાની બેઠક પર ધારાસભ્ય બનવાના સપનાં હતા જે ભાજપે હજુ પૂરા કર્યા છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર તો ભાજપની ખિસકોલી બનીને ચૂપ થઈ ગયા છે અને મોઢવાડિયાએ પણ જાહેરમાં કબૂલ્યું છે કે તેઓ પણ ભાજપની ખિસકોલી બનવા તૈયાર છે. એક સમયે લીલીપેનથી સહી કરવાના સપનાં જોતાં અલ્પેશ ઠાકોર પણ ગાંધીનગરથી વિજેતા તો બન્યા છે પણ પ્રધાનમંડળમાં સ્થાન પામી શક્યા નથી. આ લિસ્ટ તો ઘણું મોટું છે પણ સૌથી સારો ફાયદો એ કૉંગ્રેસ કુળના ત્રણ નેતાઓને થયો છે. જેમાં બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા અને રાઘવજી પટેલને થયો છે. જેઓ હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ પ્રધાન છે.
ગુજરાત કૉંગ્રેસમાંથી કદાવર નેતાઓને તોડી પાડવાનો ભાજપનો બે દાયકાથી શિરસ્તો રહ્યો છે. જેમાંથી કેટલાક નેતાઓના તો સૂરજ અસ્ત થઈ ગયા છે. આજે તેઓ ભરપેટ પસ્તાય પણ છે. એકવાર હાર્યા બાદ આજે તેઓ પોતાનું અસ્તિત્વ શોધી રહ્યાં છે કારણ કે કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જોડાયા તો હાર્યા બાદ ન ઘરના ના ઘાટના થઈને રહી ગયા છે. ભાજપના આ ઓપરેશન લોટસથી મૂળ ભાજપીઓમાં પણ ઘણીવાર અસંતોષનું કારણ બન્યું છે. પાયાના કાર્યકરો વર્ષો સુધી મહેનત કરીને સીટ તૈયાર કરે છે અને એ બેઠક પર એક કૉંગ્રેસી નેતા આવીને બેસી જાય છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે શરૂ કરેલા ઓપરેશન લોટસમાં હજુ પણ કેટલીક વિકેટો પડે તેવી પૂરી સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૭ પછી કૉંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ૨૦ માંથી ૧૨ ધારાસભ્યોને ટિકિટ આપી હતી. જેમાંથી નવનો વિજય અને ત્રણની કારમી હાર થઇ છે.
ભાજપે લોકસભા પહેલાં શરૂ કરેલા ઓપરેશન લોટસને પગલે
કૉંગ્રેસી નેતાઓ સતત જોડાઈ રહ્યાં છે પણ મૂળ ભાજપી કાર્યકરોમાં નારાજગી વધી રહી છે. સોશિયલ મીડિયામાં એમની ગાભામારુંના નામે મજાક ઊડી રહી છે.