અમદાવાદમાં ધો.૧૦-૧૨ની પરીક્ષામાં ૫૦થી વધુ સ્કવૉડ ટીમ સંવેદનશીલ કેન્દ્રમાં જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૧૧મી માર્ચથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા અંતર્ગત રાજ્યના જે જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે તે અમદાવાદ જિલ્લાના શહેર અને ગ્રામ્યના ડીઈઓ દ્વારા બોર્ડ પરીક્ષાને પગલે એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ શહેર અને ગ્રામ્ય સાથે જિલ્લામાં કુલ મળીને ૧.૭૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપશે. જિલ્લાના ૧૩૭ કેન્દ્રોમાં ૬૧૦ બિલ્ડિંગમાં બોર્ડની પરીક્ષા લેવાશે.
અમદાવાદ જિલ્લામાં આ વર્ષે ધો.૧૦ અને ૧૨ના ૧૨ હજાર વિદ્યાર્થીઓ ઘટયા છે. શહેર અને ગ્રામ્ય બંને ડીઈઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન શરૂ કરવામા આવી છે. બોર્ડ દ્વારા પરીક્ષા રિસિપ્ટ જાહેર કરાયા બાદે કેટલીક સ્કૂલોએ બાકી ફીને લઈને વિદ્યાર્થીની રિસિપ્ટ રોકી હતી અને શહેરમાં છ તથા ગ્રામ્યમાં ત્રણ સહિત ૯થી વધુ ફરિયાદ ડીઈઓ કચેરીને મળી હતી.
અમદાવાદ ડીઈઓ રોહિત ચૌધરીએ બોર્ડ પરીક્ષાનો એકશન પ્લાન જાહેર કરતા જણાવ્યું હતું કે આ વર્ષે શહેરમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા કુલ ૧૨ ઝોનમાં ૭૦ પરીક્ષા કેન્દ્રમાં ૩૪૯ બિલ્ડિંગોમાં લેવામાં આવશે. ધો.૧૦માં સાત ઝોન અને ૨૦૨ બિલ્ડીંગો છે. ધો.૧૨ સા.પ્ર.માં પાંચ ઝોનમાં ૧૦૩ બિલ્ડીંગ ધો.૧૨ સાયન્સમાં પાંચ ઝોનમાં ૪૪ બિલ્ડિંગમાં પરીક્ષા લેવાશે. કુલ ૧૦૧૩૫૨ વિદ્યાર્થી નોંધાયા છે.
અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કૃપાબેન ઝાએ જણાવ્યું હતું કે ગ્રામ્યમાં કુલ આઠ ઝોનમાં ૬૭ પરીક્ષા કેન્દ્રો છે અને ૨૬૧ સ્કૂલ બિલ્ડિંગો છે. ધો.૧૦માં ચારઝોનમાં ૧૫૧ બિલ્ડિંગ, ધો.૧૨ સા.પ્રમાં ચાર ઝોનમાં ૭૯ બિલ્ડિંગ, ધો.૧૨ વિ.પ્ર.માં ચાર ઝોનમાં ૩૧ બિલ્ડિંગમાં પરીક્ષા લેવાશે. ગ્રામ્યમાં કુલ ૭૭૮૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગ્રામ્યમાં પણ ઝોનલ અધિકારીઓ નીમી દેવાયા છે. શહેર અને ગ્રામ્યના તમામ કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા છે અને ૧૦૦ ટકા સીસીટીવી સર્વેલન્સ હેઠળ પરીક્ષા લેવાશે. જિલ્લા કલેકટર દ્વારા મુકાયેલા વર્ગ ૧-૨ના અધિકારીઓની ૨૫ ટીમ અને ગ્રામ્યમાં પણ ૨૫ ટીમ ઉપરાંત સ્થાનિક ડીઈઓ લેવલથી પાંચ-પાંચ ટીમ સાથે ૬૦થી વધુ સ્કવૉડ ટીમો મુકાશે.