અમદાવાદમાં નવરાત્રીમાં રાત્રે ૨૧૦૦ ટ્રાફિક પોલીસ જવાનો અનેક પ્રકારના ગુનાહિત કૃત્યો અટકાવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રીના તહેવાર દરમિયાન રસ્તા પર ઓવર સ્પીડિંગ વાહન ચલાવતાં તત્ત્વો સામે તેમ જ રોડ પર રોમિયોગીરી કરતા રોડ રોમિયો સામે કડક કાર્યવાહી કરવાનો એક્શન પ્લાન ટ્રાફિક પોલીસ દ્વારા ઘડી કાઢવામાં
આવ્યો છે.
અમદાવાદ શહેર ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું હતું કે, શહેરમાં નવરાત્રિ દરમિયાન ૧૫૦૦ ટીઆરબી અને હોમગાર્ડ જવાનો સહિત કુલ ૨૧૦૦ જવાનો ટ્રાફિકની કામગીરી સંભાળશે. આ જવાનો રેડિયેશનવાળા જેકેટ સાથે ડ્યૂટી કરશે. નવરાત્રિમાં રાત્રે રસ્તા પર સ્ટંટ કરતાં તત્ત્વો સામે કે પછી ઓવર સ્પીડિંગ વાહન ચલાવતાં તત્ત્વો સામે ખાસ નજર રાખવા ફોર્સ તૈનાત રહેશે. ઓવર સ્પીડ વાહનો ઉપર ૩૯ સ્પીડગનથી ધ્યાન રખાશે. તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસો હેન્ડલ કરવાની તૈયારી પણ રખાઇ છે. જે માટે ટ્રાફિક વિભાગ પાસે ૧૫૦ જેટલા બ્રેથ એનાલાઈઝરથી કામગીરી કરવામાં આવશે. એટલું જ નહિ નવરાત્રિના આયોજનમાં કે રસ્તા પર રોમિયોગિરી કરનારાં તત્ત્વો સામે પોલીસની ટીમ સાથે સી ટીમને એક્શન માટે તૈયાર કરવામાં આવી છે.
તેમજ રસ્તા પર સ્પીડિંગ વાહન હંકારી અકસ્માત કરનારા વાહન ચાલકો તેમજ રસ્તા પર વાહનો પર સ્ટંટ કરતાં તત્ત્વોને ઝબ્બે કરવા ગરબાના સ્થળના સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ૧૧૩ એવા પોઇન્ટ છે જયાં ટ્રાફિક વધારે થાય છે જેથી ત્યાં ટીમ વધુ એક્શન મોડમાં રહેશે. આ સાથે નવ ઈન્ટરસેપ્ટ વાન હાઇવે પર હાજર રહેશે. નવરાત્રિના તહેવાર દરમિયાન જો લોકોના ધ્યાને કોઈ ઘટના કે બનાવ સામે આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની પણ અપીલ ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવી છે.