આપણું ગુજરાત

૨૨ વર્ષમાં કૉંગ્રેસના સવાસોથી વધુ મોટાં માથાં ભાજપમાં જોડાયાં

ભાજપમાં આયાતી નેતાઓનું વજન વધ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યાં છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર ભાજપમાં જોડાયા હતા. ૨૦૦૨થી અત્યાર સુધી કૉંગ્રેસના ૧૨૫થી વધુ નેતા ભાજપમાં સામેલ થયા છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે જાન્યુઆરીમાં કૉંગ્રેસના એક સિનિયર ધારાસભ્યએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. વીજાપુર બેઠકના ધારાસભ્ય સીજે ચાવડાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા. આ પહેલા ખંભાત બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે કૉંગ્રેસ છોડી હતી. કૉંગ્રેસના નરહરિ અમીન અત્યારે રાજ્યસભાના સભ્ય છે. બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા અને રાઘવજી પટેલ કેબિનેટ પ્રધાન છે, આ ત્રણેયને મલાઈદાર ખાતાઓ આપવામાં આવ્યા છે, એટલું જ નહીં પાટીદાર આંદોલનમાંથી ઊભા થયેલા બે યુવા નેતાઓ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપમાં ધારાસભ્ય છે. છેલ્લા ૨૦ વર્ષમાં કૉંગ્રેસના પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય કે પ્રદેશના પૂર્વ નેતાઓએ ભાજપમાં જોડાઈને સદી ફટકારી હતી. કૉંગ્રેસના નેતાઓને ભલે સંગઠનમાં ટોચનું સ્થાન મળ્યું ન હોય, પરંતુ સરકારમાં મહત્ત્વનું સ્થાન જરૂર મળ્યું છે. સત્તાનો પાવર તેઓ મેળવી રહ્યાં છે. કૉંગ્રેસમાં સાઇડટ્રેક થયેલા નેતાઓને ૨૦૦૨થી સ્ટેટેજીપૂર્વક ભાજપ ટોચના સ્થાને બેસાડી રહી છે. હાઈકમાન્ડની કૉંગ્રેસના ચહેરાઓને સમદંડ અને ભેદ અજમાવી પ્રદેશના નેતાઓ અનિચ્છાએ ભાજપમાં ભેળવી રહ્યાં છે.

લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપને ૨૬માંથી ૨૬ બેઠકોની હેટ્રિક કરવા માટે ચૂંટણી જીતી શકે અથવા જીતાડી શકે તેવા કૉંગ્રેસના મજબૂત ચહેરાઓની જરૂર હોવાથી ગુજરાતમાં ઓપરેશન લોટસ શરૂ થયું છે.

કૉંગ્રેસના સંગઠનમાં ત્રણ દસકા કરતાં વધુ સમયથી કામ કરતા નેતાઓ પણ આશ્ર્ચર્ય સાથે ભાજપમાં જોડાયા છે. એવા નેતાઓમાં નરહરિ અમીન, ઉદેસિંહ બારિયા, લીલાધર વાઘેલા, દલસુખ પ્રજાપતિ, નિમા આચાર્ય, જ્યંતિલાલ પરમાર, જવાહર ચાવડા, સુભાષ શેલત, ઉર્વશી દેવી મોહનસિંહ રાઠવા, વિઠ્ઠલ રાદડિયા અને જયરાજસિંહ જાડેજાનું નામ આવે છે. પ્રદેશ કૉંગ્રેસને રાજકીય ઈતિહાસ જોઈએ તો ૨૦૦૨થી ૨૦૧૭ સુધી કૉંગ્રેસના ૮૦ જેટલા મોટા માથાંઓ ભાજપમાં ગયા છે. જ્યારે ૨૦૧૭ થી ૨૦૨૨ સુધીમાં કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ૨૦ પૈકી ૧૨ પૂર્વ ધારાસભ્યોને ભાજપે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી હતી, પરંતુ તે પૈકી નવ ધારાસભ્ય બની શક્યાં છે. કૉંગ્રેસના નેતાઓને ભાજપમાં પક્ષપલટો કરાવીને ભાજપે ૨૦૨૨ની ચૂંટણીમાં ૧૫૬ બેઠકો મેળવી હતી, જ્યારે કૉંગ્રેસના ફાળે માત્ર ૧૭ બેઠકો આવી હતી. છેલ્લા ૬૨ વર્ષમાં આટલો બધો નબળો દેખાવ કૉંગ્રેસે ક્યારેય કર્યો નથી. હવે કૉંગ્રેસ ફરીથી તૂટી રહી છે.

કૉંગ્રેસ છોડ્યા પહેલા અર્જુન મોઢવાડિયાએ પાર્ટીના તે નિર્ણયની ટીકા કરી હતી જેમાં કૉંગ્રેસે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારંભનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.આ પહેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન નારણ રાઠવા પોતાના પુત્ર અને સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા હતા. અર્જુન મોઢવાડિયા કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં મંગળવારે સામેલ થયા હતા. તે આગામી લોકસભા ચૂંટણીની સાથે યોજાનારી વિધાનસભા પેટા ચૂંટણીમાં તે ભાજપના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી શકે છે. બીજી તરફ અર્જુન મોઢવાડિયાને કેન્દ્રના નેતૃત્વમાં મોકલવામાં આવે તેવી પણ ચર્ચા છે. મોઢવાડિયાને ભાજપ જૂનાગઢ બેઠક પરથી લોકસભાની ટિકિટ આપે તેવી પણ ચર્ચા છે. મોઢવાડિયા પૂર્વ કૉંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે અને બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. ત્રીજી વખત તે કૉંગ્રેસની જ ટિકિટ પર ૨૦૨૨માં ચૂંટણી જીત્યા હતા.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button