આપણું ગુજરાત

કોન્સ્ટેબલની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, બોર્ડે આપી સત્તાવાર માહિતી

અમદાવાદ: તાજેતરમાં જ ભારત પાકિસ્તાન વચ્ચેનાં સરહદી તણાવને ધ્યાને લઈને લેવામાં આવનારી અનેક પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી હતી. જો કે આ દરમિયાન હવે આગામી 15મી જૂને યોજાનાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા તેની નિર્ધારિત તારીખ જ લેવાશે કે કેમ તે અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board) દ્વારા કોન્સ્ટેબલની પરીક્ષાને (Constable Exam Date) લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે.

પરીક્ષા અંગે ભરતી બોર્ડે આપી અપડેટ

આગામી 15મી જૂનનાં રોજ યોજાનારી કોન્સ્ટેબલની પરીક્ષા અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે “લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ યોજાનાર છે. લેખિત પરીક્ષાની તારીખમાં કોઇ ફેરફાર કરવામાં આવેલ નથી. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.”

પરીક્ષાનું પ્રશ્નપત્ર બે માળખામાં

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫નારોજ યોજાવામાં આવનાર છે. આ પરીક્ષા માટે 200 માર્કનું પેપર લેવામાં આવશે અને તે માટે ઉમેદવારોને 3 કલાકનો સમય ફાળવવામાં આવશે. આ માટે યોજાનાર પરીક્ષાનું પ્રશ્નપત્ર બે માળખામાં હશે. જેમાં પાર્ટ A 80 ગુણનો રહેશે અને પાર્ટ Bમાં 120 ગુણનાં પ્રશ્ન રહેશે.

ગુજરાત પોલીસની લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેકટરની 12,472 જગ્યા પરની ભરતી માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ માટે રાજ્યના 15 ગ્રાઉન્ડ પર 10 લાખથી વધુ ઉમેદવારો શારીરિક કસોટી આપવાના હતા. આ કસોટી 1 માર્ચનાં રોજ પૂર્ણ થઈ હતી. પોલીસની શારીરિક કસોટી માટેની પરીક્ષા માટે પુરુષ ઉમેદવારો માટે અમદાવાદ, કામરેજ, ભરૂચ, જામનગર, જૂનાગઢ, ખેડા-નડિયાદ, મહેસાણા, ગોધરા, ગોંડલ અને હિંમતનગર ખાતે શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button