શા માટે કહેવાય છે “સો વાર કાશી એક વાર પ્રાચી” ? જાણો….
સુત્રાપાડા: આવતીકાલે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે અને સાથે જ સોમવારી અમાસ પણ છે. હિંદુઓમાં ભાદરવી અમાસનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ કરવાનું મહત્વ રહેલું છે. પિતૃ તર્પણ માટે ગુજરાતના આ સ્થળે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ સ્થળ છે ગીર સોમનાથ જિલ્લાની પ્રાચી તીર્થ. અહી આવેલમોક્ષ પીપળો એટલે તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો મનાઈ છે.
ગુજરાતીમાં એક કહેવત છે કે ‘સો વાર કાશી એક વાર પ્રાચી’. દરવર્ષે સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ભાદરવી અમાસના દિવસે મોક્ષ પીપળે પાણી રેડવા, પુજા અર્ચના કરવા, સરસ્વતી નદીમાં સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. ભાદરવી અમાસના દિવસે પિતૃદોષ નિવારણ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. અમાસના દિવસે સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી યાત્રાળુઓ મોટી સંખ્યામાં અહીં પ્રાચી તીર્થ ખાતે આવતા હોય છે.
પ્રાચી તીર્થ હિંદુઓમાં પવિત્ર ગણાતી સરસ્વતી નદીના સંગમ સ્થાને આવેલુ છે. હિમાલયમાંથી થોડી વહીને લુપ્ત થઈ જતી સરસ્વતી નદી અહી પુનઃ પ્રવાહિત થતી હોવાની માન્યતા છે. અહી સરસ્વતી નદી અને મોક્ષ પીપળાનું મહત્વ રહેલું છે. એક લોકવાયકા અનુસાર સ્વયં ભગવાં શ્રીકૃષ્ણએ ઉદ્ધવજીને શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન આ પીપળાની નીચે જ આપ્યું હતું.
એક અન્ય લોકવાયકા અનુસાર મહાભારતના યુદ્ધ બાદ પાંડવો દ્વારા તેમનાં પર લાગેલા ગૌ હત્યાનાં પાપમાંથી મુક્ત થવા માટે વિધિ કર્યા બાદ અહી દાન-દક્ષિણા કરીને પાપમુક્ત થયા હતાં. આમ પ્રાચી શ્રાદ્ધકર્મ માટેની ભૂમિ તરીકે ખ્યાત છે. પ્રાચીમાં લગભગ 84 પ્રકારના શ્રાદ્ધકર્મ થાય છે અને દરેક શ્રાદ્ધકર્મ પૂર્વે સર્વ પ્રથમ પીપળા પાસે જ સંકલ્પ લેવામાં આવે છે. અહી નારાયણ બલિની વિધિ સવિશેષ થાય છે.